(એજન્સી) તા.૨૪
કતારના સરકારી વકીલે કતારના હમાદ એરપોર્ટ પર કાર્યરત અનિશ્ચિત સંખ્યાના પોલીસ અધિકારીઓ સામે ગુનાહિત આરોપો દાખલ કર્યા છે. જ્યારે મહિલાઓએ જણાવ્યું હતું કે, ગયા મહિને એરપોર્ટ પર આક્રમક રીતે તેમની તલાશી લેવામાં આવી હતી. આમાંથી કેટલીક મહિલાઓ ઓસ્ટ્રેલિયન હતી અને આ મુદ્દે ઓસ્ટ્રેલિયામાં આક્રોશ ફેલાયો હતો. કતારી અધિકારીઓએ આનું કારણ જણવતા કહ્યું હતું કે, એરપોર્ટના બાથરૂમમાં એક કચરાના ડબ્બામાં એક નવ-જન્મેલી બાળકી તરછોડી દેવાયેલી હાલતમાં મળી આવી હતી, તેની માતાની શોધખોળ માટે આ તલાશી હાથ ધરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરીસને કહ્યું કે આ તલાશી ત્રાસદાયક હતી અને કતારના વડાપ્રધાન શેખ ખાલીદ-બિન-અબ્દુલ અઝીઝ સાનીએ માફી માગી છે. સરકારી વકીલે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ન્યાયિક પોલીસ અધિકારીઓ જેઓ એરપોર્ટ સુરક્ષા વિભાગમાં કાર્યરત છે, તેમણે કાયદો તોડ્યો હતો જ્યારે તેમણે મહિલા મેડિકલ સ્ટાફને તલાશી લેવા માટે બોલાવ્યા હતા. જો કે સરકારી વકીલે તે જણાવ્યું ન હતું કે કયા ગુનાઓ આચરવામાં આવ્યા હતા અને કેટલા પોલીસ અધિકારીઓ પર આરોપ મૂકાયા છે, તેમણે જણાવ્યું કે બાળકીની માતા પર પણ આરોપ મૂકાયો છે કે, તેણીએ દેશ છોડી દીધો છે અને હત્યાનોે પ્રયાસ કરવાના આરોપમાં તેની ધરપકડ કરવા માટેની કાયદાકીય કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. માતાની ઓળખ એક એશિયન નાગરિક થઈ છે અને જો તેને દોષિત ઠેરવવામાં આવે તો વધુમાં વધુ ૧૫ વર્ષની મહત્તમ સજાનો સામનો કરવો પડી શકે છે. એક પુરૂષ પ્રતિવાદીની બાળકીના પિતા તરીકે ઓળખ થઈ છે, જેને કઈ રીતે શોધવામાં આવ્યો તે જણાવ્યું નથી. કતારી અધિકારીઓ દ્વારા બાળકીની સંભાળ લેવામાં આવી રહી છે. સરકારી વકીલો કહ્યું કે, મેડિકલ સ્ટાફને મહિલા મુસાફરોની બાહ્ય તલાશી લેવા માટે બોલવવામાં આવી હતી, આ નિવેદન ઓસ્ટ્રેલિયન અધિકારીઓના કથનનો વિરોધાભાસી છે, જેમણે કહ્યું હતું કે, મહિલાઓની આક્રમક રીતે તલાશી હાથ ધરવામાં આવી હતી.