કુંઢેલી, તા. ૧ર
લોક સાહિત્ય અને ચારણી ક્ષેત્રના વર્ષ-ર૦૧૮માં અર્પણ થનારા મોરારીબાપુ પ્રેરિત સુપ્રસિદ્ધ “કાગ” એવોર્ડની ઘોષણા કરવામાં આવી છે. ચારણી, સંત અને લોક સાહિત્ય પરંપરાના વિદ્વાન સારસ્વત સ્વ. ભુધરજી જોષીને મરણોત્તર એવોર્ડ તેમજ ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય પરંપરાના હરદાનજી ખડિયા, સુપ્રસિદ્ધ ગુજરાતી લોકગાયિકા દમયંતીબહેન બરડાઈ, ચારણી સાહિત્યના મરમી કલાકાર ગોવિંદ અમરા ગઢવી તથા લોકવિદ્યાવિદ્‌ અને રાજસ્થાની ચારણી સાહિત્યના આજીવન સંશોધક-ચારણી છંદશાસ્ત્રના વિદ્વાન સારસ્વત ડૉ. દેવકરણસિંહ રાઠોડને ઉપરાંત આ વર્ષે આ વર્ષે ખાસ એક લોક સાહિત્ય સંસ્થાન “ઝવેરચંદ મેઘાણી લોક સાહિન્ય કેન્દ્ર” સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાગ એવોર્ડ, એમ કુલ છ એવોર્ડ આ વર્ષે મોરારીબાપુના હસ્તે કવિ કાગની ૪૧મી પૂણ્યતિથીએ આગામી તા.૧૯-ર-ર૦૧૮ને સોમવારે મજાદર (કાગધામ) ખાતે રાત્રિના સાડાઆઠ કલાકે અર્પણ કરવામાં આવશે.
આ પૂર્વે સાંજના સાડાત્રણ કલાકે “કાગના ફળિયે કાગની વાતું” શિર્ષક હેઠળ ચારણી સાહિત્યના જાણીતા વિદ્વાન માયાભાઈ આહિર અને ડૉ. જગદિશ ત્રિવેદી કવિ કાગના પ્રદાન અંગે વક્તવ્ય આપશે. બંને કાર્યક્રમોમાં સમાપન વક્તવ્ય મોરારીબાપુ આપશે.