(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
૭૦ વર્ષ પહેલા જ્યારે મહાત્મા ગાંધીની હત્યા થઈ હતી ત્યારે તેમના અંતિમ શબ્દો હે રામ નહોતા તેવો દાવો કરીને દેશને સ્તબ્ધ કરી દેનાર બાપુના સેવક વેન્કીતા કલ્યાણમે એક દાયકા બાદ હવે તેમણે એવું કહ્યું કે મારી વાતનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું. ૧૯૪૩ થી ૧૯૪૮ સુધી મહાત્મા ગાંધીના અંગત સચિવ રહેલા વેન્કીતા કલ્યાણમ એવો ખુલાસો કર્યો હે રામ બાપુના અંતિમ શબ્દો નહોતા એવું તેમણે કદી પણ કહ્યું નથી. મહાત્મા ગાંધીની હત્યાના સાક્ષી બન્યા હોવાનો દાવો કરનાર ૯૬ વર્ષીય કલ્યાણમે કહ્યું કે મહાત્મા ગાંધીની હત્યા બાદ એટલી બધી અંધાધૂંધી સર્જાઈ હતી કે જેમાં મને કશું સંભળાયું નહોતું. બાપુની હત્યા બાદ બધા લોકો બૂમો પાડી રહ્યાં હતા. તેમાં મને કંઈ પણ સંભળાતુ નહોતું. તેઓ હે રામ બોલ્યાં પણ હોય પરંતુ મને કંઈ યાદ નથી. ૨૦૦૬ માં કલ્યાણમે એક પ્રેસ કોન્ફરન્સમાં એવું કહીને ખળભાટ મચાવી દીધો હતો કે બાપુએ હે રામ કહ્યું નહોતું. તે વખતે મહાત્મા ગાંધીના પ્રપોત્ર તુષાર ગાંધીએ કલ્યાણમના આ દાવાને નકારી કાઢ્યો હતો. હત્યા કેસમાં સરદાર ગુરબચ્ચન સિંહની જુબાનીને ટાંકતા તુષાર ગાંધીએ કહ્યું હતું કે ગોળી વાગ્યાં બાદ બાપુએ બે હાથ જોડીને હે રામનું ઉચ્ચારણ કર્યું હતું. કલ્યાણમે કહ્યું કે ગોડસેએ ફક્ત એક જ વાર ગાંધીની હત્યા કરી હતી પરંતુ રાજકીય પાર્ટીઓ ગાંધીજીના સિદ્ધાંતોનું પાલન ન કરીને દરરોજ આવું કરી રહ્યાં છે.