(એજન્સી) તા.૧૩
સી૫ીઆઈના નેતા અને જેએનયુ છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયાકુમારે બિહાર ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા એક જનસભાને સંબોધિત કરી હતી. કન્હૈયાકુમારે કહ્યું હતું કે, ર૦૧પની વિધાનસભા ચૂંટણીમાં લોકોએ જેડી(યુ), આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધનને જનાદેશ આપતા નીતિશકુમાર મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ ભાજપે મુખ્યમંત્રીને જ હેક કરી લીધા. કન્હૈયાએ કહ્યું હતું કે, આ ચૂંટણીમાં એવા નેતાઓને ચૂંટવામાં આવે જે પાછળથી પાટલી ન બદલે. પહેલાં લોકો કહેતા હતા કે, ઈવીએમ હેક થાય છે. પરંતુ હવે તો ભાજપ મુખ્યમંત્રીને જ હેક કરી રહી છે. ભાજપ પર કટાક્ષ કરતા કન્હૈયાએ કહ્યું હતું કે, જ્યોતિરાદિત્ય સિંધિયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તેમને ખરાબ કહેવામાં આવતા હતા, પરંતુ પક્ષપલ્ટો કરી ભાજપમાં આવ્યા પછી તે શુદ્ધ થઈ ગયા. હું પણ કહી રહ્યો છું, જો મને વધારે પડતું દેશદ્રોહી કહેશો તો હું પણ ભાજપમાં જોડાઈ જઈશ. ત્યારબાદ મારા વિરૂદ્ધ કરવામાં આવેલા બધા આક્ષેપો રદ્દ થઈ જશે. કન્હૈયાએ કહ્યું હતું કે, ‘લોકો હવે સમજી ગયા છે તે વિકાસના મુદ્દાઓ પર જ મતદાન કરશે, તે હવે ખોટા વચનોથી પ્રભાવિત થઈને મતદાન નહીં કરે.’