(એજન્સી) તા.૨૦
ડિજીટલ ઓન્લી ન્યૂઝ પબ્લિકેશનનું સંગઠન ડીજી પબ પાછળનો હેતુ તંદુરસ્ત અને સંગીન ન્યૂઝ ઇકો સિસ્ટમની રચના કરવાનો છે. ડીજી પબ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કન્ટેન્ટનું નિયમન કરવાની છેલ્લા કેટલાક મહિનાથી ચાલતી કેન્દ્રની હિલચાલ અને તે માટે નિયંત્રક રેગ્યુલેટરી ફ્રેમ વર્ક ઊભી કરવાની હિલચાલ ડિજીટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા તેમજ વિકાસ કરવાની ક્ષમતા પર ગંભીરપણે નિયંત્રણો લાવી શકે છે. ન્યૂઝ મીડિયા કંપનીઓ જ્યારે વિશ્વમાં શ્રેષ્ઠ કંપનીઓ સાથે સ્પર્ધા કરી રહી છે ત્યારે તેના પર ગંભીર અસરો પડે છે. ધ વાયર જેના સંસ્થાપક સભાસદ છે એવા ફાઉન્ડેશન દ્વારા જારી કરવામાં આવેલ નિવેદનમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક મહિનામાં જારી કરાયેલા કેન્દ્રના નોટિફીકેશન, અદાલતના નિવેદનો અને પ્રસ્તાવની ડિજીટલ મીડિયા સેક્ટર્સ પર ગહન અને કાયમી અસર પડશે. કેન્દ્રએ કન્ટેન્ટ એટલે કે વિષયવસ્તુનું નિયમન કરવા તેમજ માહિતી-પ્રસારણ મંત્રાલયના અધિકાર ક્ષેત્ર હેઠળ ડિજીટલ ન્યૂઝ પ્રકાશકોને લાવવા અને ભારતીય ડિજીટલ ન્યૂઝ પ્રકાશકો માટે એફડીઆઇ મર્યાદિત કરવા જેવા સૂચનો કરવામાં આવ્યાં છે. હજુ પ્રારંભિક સમયમાં હોવા છતાં ડિજીટલ ન્યૂઝ ઇન્ડસ્ટ્રીએ ભારતમાં રાષ્ટ્રને વિવિધ ઇવેન્ટ્‌સ અને મુદ્દાઓ પર માહિતગાર રાખીને નોંધપાત્ર કામગીરી કરી છે. સરકારનો નીતિ વિષયક હસ્તક્ષેપ અને નિયમન ભારતીય ડીજીટલ ન્યૂઝ આઉટલેટ્‌સની ક્ષમતાને ગંભીર રીતે મર્યાદિત કરી શકે છે. આમ કન્ટેન્ટનું નિયમન કરવાની કેન્દ્રની હિલચાલ ડિઝીટલ ન્યૂઝ કંપનીઓને નિયંત્રિત અને મર્યાદિત બનાવી શકે છે એવું ડીજી પબ દ્વારા જણાવાયું છે.