દાહોદ, તા.૧૧
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યામાં વધારો થયો છે ત્યારે દાઉદી વ્હોરા સમાજના આમીલશેખ મુફદલભાઈ ઈન્દોરવાલાએ કોરોના સંક્રમણ સામે એક જવાબદાર નાગરિકની ભૂમિકા અદા કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, કોરોના સંક્રમણના સમયે આપણે સરકારના નિયમોનું પાલન કરીએ છીએ અને તે ખૂબ જરૂરી છે. દેશના જવાબદાર નાગરિક તરીકે આપણે આપણી ફરજ અદા કરવી જોઈએ. આપણો મહોલ્લો, આપણું શહેર, આપણું રાજ્ય સુરક્ષિત બનશે તો દેશ સુરક્ષિત બનશે. પણ એ માટે આપણે કોરોના સામે વધુ સાવચેત રહીએ. કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં અવર-જવર ન કરીએ, એ વિસ્તારની દુકાનો બંધ રાખીએ. સરકાર દ્વારા કોવિડ-૧૯ સંદર્ભની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરીએ. જિલ્લા વહીવટી તંત્ર, દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનું પાલન કરીએ. આગામી તહેવાર મહોર્રમમાં પણ તંત્રના સૂચનોનું પાલન કરીએ. ખાસ કરીને કન્ટેન્ટમેન્ટ વિસ્તારના લોકો ખૂબ તકેદારી રાખે એ કોરોના સંક્રમણ રોકવા ખૂબ જરૂરી છે.