અંકલેશ્વર, તા.૧૩
ઝઘડીયા જીઆઈડીસી નજીકના કપલસાડી ફુલવાડી ગામ વચ્ચે આવેલ નાસીરખાન બશીરખાન પઠાણના ફાર્મહાઉસમાંથી જિલ્લા એલસીબીએ બાતમીના આધારે ત્રણ ડ્રમ કોસ્ટિક કેમિકલના ઝડપી લીધા છે. ઝડપાયેલ ૬૦૦ લીટર કેમિકલ બાબતે ફાર્મહાઉસના માલિક નાસીરખાનની જિલ્લા એલસીબી અટકાયત કરી પૂછતાછ હાથ ધરી છે. ઝઘડીયા જીઆઈડીસી વિસ્તારમાં કંપનીઓમાંથી કેમિકલ, મશીનરી તથા અન્ય સામાન, ભંગાર ચોરીની ઘટનાઓએ માઝા મૂકી છે. ઝઘડિયા જીઆઈડીસીમાં ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક પોલીસ મથક કાર્યરત હોવા છતાં દિવસે દિવસે જીઆઈડીસીમાં અસલામતીનો માહોલ ઊભો થઈ રહ્યો છે. નાની-મોટી ચોરીને બાદ કરતાંં જીઆઈડીસીમાં મોટાપાયે ચોરીની ઘટનાઓ બને છે. જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે ઝઘડિયા જીઆઈડીસી નજીકના કપલસાડીથી ફૂલવાડી ગામ તરફ જવાના રોડની બાજુમાં આવેલ નાસીરખાન, બશીરખાન પઠાણના કે.જી.એન ફાર્મહાઉસમાં શંકાસ્પદ કેમિકલ બેરલ સંતાડી રાખેલ છે. બાતમીના આધારે એલસીબીની ટીમે ફાર્મહાઉસ પર છાપો મારતા નાસીરખાન પઠાણ જાતે ત્યાં મળી આવ્યો હતો. એલસીબીએ ફાર્મ હાઉસમાં તપાસ કરતા દાદર નીચેની જગ્યામાં પ્રવાહી ભરેલા ત્રણ પ્લાસ્ટિકના બેરલ મળી આવ્યા હતા. જે એક બેરલમાં ૨૦૦ લીટર મુજબ કુલ ૬૦૦ લિટર પ્રવાહી ભરેલું હતું. ત્રણેય બેરલોના ઢાંકણ ખોલીને એલસીબીએ ચેક કરતાં બેરલમાં કોસ્ટિક કેમિકલ ભરેલું હતું. આ કેમિકલ બાબતે ફાર્મહાઉસના માલિક નાસિરખાનને બીલ તથા અન્ય પૂરાવા માંગતા તેની પાસે મળી આવ્યા ન હતા. જેથી આ કેમિકલ ચોરી છળકપટ કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિથી મેળવ્યું હોવાની શંકા જતા ત્રણેય કેમિકલ ભરેલા ડ્રમ કબજે લીધા હતા અને ફાર્મંહાઉસના માલિક નાસીરખાન બશીરખાન પઠાણ મૂળ રહેવાસી કપલસાડી તા.ઝઘડિયા હાલ રહે. રહેમત પાર્ક સોસાયટી આંબોલી રોડ અંકલેશ્વરની અટકાયત કરવામાં આવી છે.