(એજન્સી) તા.૩
૧ સપ્ટેમ્બરના રોજ જ અલ્હાબાદ હાઈકોર્ટે ડૉ. કફીલ ખાનની અટકાયતે ગેરકાયદે ગણાવતાં યુપીની યોગી સરકારને મોટો ફટકો આપ્યો હતો. તેણે કફીલ ખાન વિરૂદ્ધ નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળની કાર્યવાહીને પણ વખોડી કાઢી હતી.
પોતાના એક મજબૂત ચુકાદામાં હાઈકોર્ટે કહ્યું હતું કે અટકાયતનો અસલ ચુકાદો જે ફેબ્રુઆરીમાં અપાયો હતો અને તેના પછી તેન અટકાયત વધારવાનો જે ચુકાદો અપાયો તે બંને કાયદાને અનુરૂપ નહોતા.
ઉલ્લેખનીય છે કે કફીલ ખાન ૨૦૧૭માં લાઈમલાઈટમાં આવ્યા હતા જ્યારે ગોરખપુરમાં આવેલી એક સરકારી હોસ્પિટલમાં ઓગસ્ટ મહિનામાં જ ૬૩ જેટલા બાળકો ઓક્સિજનની અછતને લીધે મૃત્યુ પામી ગયા હતા. કોન્ટ્રાક્ટરે પેમેન્ટ મળતાં ઓક્સિજનની સપ્લાય બંધ કરી દીધી હતી અને તેની ભેટ બાળકો ચઢી ગયા હતા.
મીડિયાએ આ દરમિયાન જણાવ્યું હતું કે કફીલ ખાને આ દરમિયાન પોતાના પૈસા ખર્ચ કરીને ઓક્સિજનના સિલિન્ડરની વ્યવસ્થા કરી હતી. પરંતુ ઉત્તર પ્રદેશની સરકાર દાવો કરે છે કે બાળકોના મૃત્યુ ઓક્સિજનના અભાવે થયા જ નહોતા. ઉલટાનું તે કહે છે કે મેડિકલ બેદરકારી તથા ભ્રષ્ટાચાર તથા નોકરીમાં બેદરકારી કરવાને લીધે એટલે કે કફીલખાનને લીધે આ બાળકો મૃત્યુ પામ્યા. આ કારણે જ તેમને જેલમાં સબડવા ધકેલી દેવાયા હતા.
જોકે જેલમાંથી મુક્ત થતાં જ કફીલ ખાને યોગી સરકાર અને તેમની વિરૂદ્ધ જે કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી તે એનએસએ એક્ટને વખોડ્યું હતું. ઉલ્લેખનીય છે કે અલીગઢની પોલીસે તેમની વિરૂદ્ધ કેસ નોંધ્યો હતો કે તેમણે નાગરિકતા સુધારા કાયદા વિરૂદ્ધ થઇ રહેલા દેખાવો દરમિયાન એક ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. ૨૯ જાન્યુઆરીના રોજ તેમની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી અને તેમને યુપી પોલીસને સોંપી દેવાયા હતા.
જોકે ૧૦ ફેબ્રુઆરીએ હાઈકોર્ટે તેમને જામીન પર મુક્ત કરવા આદેશ આપ્યો હતો. પોલીસે તેમ છતાં તેમને જેલમાંથી બે દિવસ જવા ન દીધા. પોલીસે કોર્ટને વધુ એક ચુકાદો આપવા મજબૂર કરી. આ દરમિયાન જ ૧૩ ફેબ્રુઆરીના રોજ નેશનલ સિક્યોરિટી એક્ટનો કાયદો તેમના પર લગાવી દેવાયો.
જોકે ૧ સપ્ટેમ્બરના રોજ આશરે નવ મહિનાની જેલનીસજા ભોગવી લીધા બાદ હાઈકોર્ટે તેમની વિરૂદ્ધની કાર્યવાહીને ગેરકાયદે ગણાવી દીધી હતી. પોતાના આદેશમાં હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે ખાનની સંપૂર્ણ સ્પીચમાં ક્યાંય પણ ઉશ્કેરણીજનક કંઈ જ નહોતું.