ચુકાદો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, ડીઆઇજી, એસપી અને પોતાના રાજકીય
બોસના યસ મેન બનનારા અને પોતાની જવાબદારીઓમાંથી છટકી જનારા
ઉચ્ચ અને વરિષ્ઠ સનદી અધિકારીઓ માટે એક કેસ સ્ટડી બની રહેશે

(એજન્સી) તા.૪
ડો. કફીલખાનની ગેરકાયદે અટકાયતને રદ કરી તેમને જેલમાંથી છોડી મૂકવાનો આદેશ કરતો અલ્હાબાદ હાઇકોર્ટે આ સપ્તાહે આપેલો ચુકાદો એવો હતો જે કોઇપણ વ્યક્તિને તેનું વાંચન કરવા મજબૂર કરી શકે તેમ હતો, એટલું જ નહીં પરંતુ આ ચુકાદો વાસ્તવમાં ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર અને તેના વહીવટ માટે તો તે એક પ્રકારની ડરાવનારી કોમેન્ટરી સમાન હતો.
આ ચુકાદાએ સ્પષ્ટ પૂરવાર કરી દીધું હતું કે યોગી સરકારે કાયદાનો ખુલ્લેઆમ દુરુપયોગ કર્યો હતો, તે સાથે એમ પણ સાબિત થઇ ગયું હતું કે ઉત્તર પ્રદેશમાં કાયદાનું રાજ નહીં પરંતુ જંગલ રાજ પ્રવર્તી રહ્યું છે. જે તથ્યવિહીન આધારે ડો.કફીલખાન ઉપર અલીગઢમાં આરોપ મૂકાયો હતો, મુંબઇમાં તેમની કેવી રીતે ધરપકડ કરાઇ હતી અને મથુરાની જેલમાં સાત મહિના સુધી કેવી રીતે તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા તે હવે જગજાહેર થઇ ગયું છે. ડો. ખાનની માતા દ્વારા દાખલ કરાયેલી હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટનો ઇન્કાર, ત્યારબાદ આ કેસની ઝડપી સુનાવણી હાથ ધરવા અલ્હાબાદ હાઇકોર્ટને સર્વોચ્ચ અદાલતે આપેલો આદેશ અને બાદમાં આ કેસની સુનાવણીને અસંખ્યવાર ટાળવામાં આવી હતી તે ઘટનાઓ પણ પ્રસાર માધ્યમોમાં પ્રસિદ્ધ થઇ હતી.
વાસ્તવમાં અલ્હાબાદ હાઇકોર્ટ પણ સુપ્રીમ કોર્ટના ચીંધ્યા માર્ગે જ આગળ વધવા માંગતી હતી, કેમ કે સુપ્રીમ કોર્ટે પણ કાશ્મીરના નેતા સૈફુદ્દીન સોઝ દ્વારા કરાયેલી એ અરજીની સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો જેમાં તેમણે આરોપ મૂક્યો હતો કે સરકારે તેમને ગેરકાયદે શ્રીનગરમાં નજરકેદમાં રાખ્યા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની એ દલીલ સ્વીકારી લીધી હતી કે સૈફુદ્દીન સોઝની ધરપકડ કે અટકાયત કરાઇ જ નથી. અલ્હાબાદ હાઇકોર્ટ પણ પોતાની આંખો બંધ કરીને ઉત્તર પ્રદેશ સરકારની એ દલીલ સ્વીકારી લીધી હોત જેમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે ડો.કાફિલખાન ગુનાઇત માનસ ધરાવે છે, અને જો તેમને છોડી મૂકવામાં આવશે તો જાહેર વ્યવસ્થા ખોરવાઇ જશે. ઉત્તર પ્રદેશ સરકારે તો વળી હાઇકોર્ટમાં એવી પણ દલીલ કરી હતી કે ડો.કફીલખાન ખૂબ જ ખતરનાક છે અને તે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ખૂબ જ ખતરનાક વિદ્યાર્થીઓ સાથે (જેલમાં હોવા છતાં) સંપર્કો રાખી રહ્યા છે.
સદનસીબે લોકશાહી અને સ્વતંત્રતા કાજે અલ્હાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ગોવિંદ માથુર અને ન્યાયમૂર્તિ એસડી સિંઘે ડો. ખાનની જે આધાર ઉપર ધરપકડ કરવામાં આવી હતી તેની અને ડો. ખાનની નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ સતત સાત મહિનાથી કરેલી અટકાયતની ફરીથી ચકાસણી હાથ ધરી. તે ઉપરાંત આ ન્યાયમૂર્તિઓએ રાજ્ય સરકારની એ રજૂઆતને પણ નજરઅંદાજ કરી દીધી હતી જેમાં કહેવાયું હતું કે અલીગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરાયેલી સમીક્ષા સામે શંકા કરવાની કે પ્રશ્ન ખડો કરવાની હાઇકોર્ટને કોઇ સત્તા નથી. યાદ રહે કે અલીગઢ જિલ્લા કલેક્ટરે આંખ બંધ કરીને ડો.ખાન વિરુદ્ધ પોલીસે રજૂ કરેલા અહેવાલને સ્વીકારી લીધો હતો. તે ઉપરાંત આ બંને ન્યાયમૂર્તિઓએ ડો. કફીલખાન દ્વારા અપાયેલા કથિત ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણની નકલ રજૂ કરવા આદેશ કર્યો હતો. આ ભાષણને વાંચતા બંને ન્યાયમૂર્તિઓને જણાયું હતું તે ભાષણમાં ઉશ્કેરણી થાય એવો એક શબ્દ પણ કહેવાયો નહોતો. ડો.ખાને તો ફક્ત એકતા માટે હાકલ કરી હતી અને સમાજમાં હિંદુ-મુસ્લિમો વચ્ચે ભાગલા પડાવનારા લોકોનો મુકાબલો કરવા કહ્યું હતું.
આજના સમયમાં જેનો ભાગ્યે જ ઉપયોગ થાય છે તે બાબતનો હાઇકોર્ટે તેના ચુકાદામાં ઉપયોગ કર્યો હતો, અને તે બાબત હતી કોમન સેન્સ (સામાન્ય બુદ્ધિ). હાઇકોર્ટ પોતાની સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછ્યો હતો કે જો ડો.ખાન ખરેખર જાહેર વ્યવસ્થામાં અરાજકતા ઊભી કરવાનો ઇરાદો ધરાવતા હતા તો તેમણે તેમના ભાષણના ૪૫ દિવસ દરમ્યાન કેમ કશું કર્યું નહીં ? ડો.ખાને ૧૨ ડિસેમ્બરના રોજ ભાષણ આપ્યું તે દિવસથી અને ૨૯ જાન્યુઆરીના રોજ મુંબઇથી તેમની ધરપકડ કરવામાં આવી તે સમય વચ્ચેના સમયગાળા દરમ્યાન કેમ ડો.ખાને એકવાર પણ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની મુલાકાત લીધી નહોતી ? ડો.ખાનને જામીન અપાઇ ગયા બાદ શા માટે ૧૩ ફેબ્રુઆરીના રોજ તેમની સામે નેશનલ સિક્યુરિટી એક્ટ લાગુ કરાયો ? ડો.ખાનની જે આધારે ધરપકડ કરાઇ હતી તેની, અને તેમની અટકાયત જે કારણસર લંબાવવામાં આવી હતી તે અંગે કેમ કોઇ સંદેશાવ્યવહાર કરાયો નહોતો ? જે વાસ્તવમાં કાયદાની જોગવાઇ મુજબ ફરજિયાત છે. આ તમામ પ્રશ્નોના ફરિયાદી પક્ષ કોઇ જવાબ આપી શક્યા નહોતા.
યાદ રહે કે અલ્હાબાદ હાઇકોર્ટનો આ ચુકાદો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, ડીઆઇજી, એસપી અને પોતાના યસ બોસની હામાં હા ભણીને અને પોતાની જવાબદારીઓમાંથી છટકી જઇ યસ મેન બનવા થનગનતા લખનૌના સચિવાલયમાં બેસતા ઉચ્ચ અને વરિષ્ઠ સનદી અધિકારીઓ માટે એક કેસ સ્ટડી બની રહેશે.
(સૌ. : નેશનલ હેરાલ્ડ ઈન્ડિયા)