આ સિસ્ટમ શિક્ષણની ગુણવત્તાનું ધોવાણ
કરે છે, પ્રેરક બળને પ્રભાવિત કરે છે અને બંધારણની ભાવનાની વિરૂદ્ધ છે

(એજન્સી) તા.૨૦
કમનસીબે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (નેપ)-૨૦૨૦માં કોન્ટ્રેક્ટ આધારે શિક્ષકોને હાયર કરવાની પ્રેક્ટીસ બંધ કરવા પર કોઇ સ્પષ્ટ નિવેદન કરવામાં આવ્યું નથી. તેમાં શરૂઆત એવી કરવામાં આવી છે કે શિક્ષક સમગ્ર શિક્ષણ પ્રથામાં મૂળભૂત સુધારાના કેન્દ્રરૂપ હોવા જોઇએ. બીજી વાત એ કરવામાં આવી છે કે તમામ સ્તરે શિક્ષકોને સમાજના સૌથી આદરણીય અને આવશ્યક સભ્ય તરીકે પુનઃ સ્થાપિત કરવા જોઇએ અને ત્રીજી વાત એ કરવામાં આવી છે કે શિક્ષકના વ્યવસાય સાથે સન્માન, ગરીમા અને સ્વાયત્તતા તમામ તબક્કે જોડીને સર્વશ્રેષ્ઠ અને તેજસ્વી શિક્ષકોની ભરતી કરવી જોઇએ. નેપ ૨૦૨૦માં જણાવાયું છે કે શિક્ષકોની ખાલી જગ્યા સમયબદ્ધ રીતે સત્વરે ભરવામાં આવશે. શિક્ષકો પ્રશિક્ષિત હશે. પરંતુ પ્રશ્ન એ છે કે સ્થાનિક શિક્ષકોની કામકાજની સ્થિતિ અને વેતનો કેવા હશે ? તેમને કોણ હાયર કરશે ? શાળા કે શાળા સંકુલો ? પરંતુ નીતિમાં તમામ શિક્ષકો માટે સમાન સેવાની શરતો પર મૌન ધારણ કરવામાં આવ્યું છે.
યુનિફાઇડ ડિસ્ટ્રીક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન અનુસાર કોન્ટ્રેક્ટ શિક્ષકોની કુલ સંખ્યા ૨૦૧૭-૧૮માં ૬ લાખની હતી. ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો ભારતમાં આજે ૧૨.૭ ટકા શિક્ષકો કોન્ટ્રેક્ટ પર હાયર કરવામાં આવે છે તેમાં ૧૩.૮ ટકા પ્રાથમિક ક્ષેત્રમાં છે અને ૮.૪ ટકા માધ્યમિક ક્ષેત્રમાં છે. ઝારખંડમાં (૫૭.૦૫ ટકા), મિઝોરમમાં (૨૯ ટકા), હિમાચલ પ્રદેશમાં (૨૮.૧૬ ટકા), દિલ્હીમાં (૨૫.૨૮ ટકા) અને પ.બંગાળમાં (૨૧.૪૮ ટકા)માં કોન્ટ્રોેક્ટ પર શિક્ષકોની સંખ્યાના ૨૫ ટકા કરતાં વધુ શિક્ષકો કોન્ટ્રેક્ટ પર છે. ભારતભરમાં નાની શાળાઓમાં ૭૯.૧ ટકા શિક્ષકો કોન્ટ્રેક્ટ પર છે. શિક્ષકોની દલીલ છે કે કોન્ટ્રેક્ટ પર શિક્ષકો હાયર કરવા એ વ્યવસાય માટે કલંક સમાન છે. તેઓ જણાવે છે કે સમાન કાર્ય માટે અલગ અલગ પગારની બેવડી પ્રથા સમાન કાર્ય માટે સમાન વર્ગની બંધારણીય બાંહેધરીની ભાવનાની વિરૂદ્ધ છે. આથી શાળા શિક્ષકોની કોન્ટ્રેક્ટ પર નિમણૂંકની પ્રથા બંધ કરીને નેપ ૨૦૧૯ના મુસદ્દામાં કરાયેલી ભલામણો સ્વીકારીને આ અસમાન પ્રથા બંધ કરવાની જરુર છે.