(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
કોંગ્રેસ પાર્ટીના સૂત્રો અનુસાર પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ વાસનિક, વરિષ્ઠ નેતા હરિશ રાવત અને મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રભારી દીપક બાબરિયાને પાર્ટી ધારાસભ્યો સાથે વાતચીત કરવા માટે પર્યવેક્ષકના રૂપમાં ભોપાલ મોકલાયા છે. સૂત્રોએ એમ પણ કહ્યું કે, આ નેતાઓ પર અસંતુષ્ટ ધારાસભ્યો અને પાર્ટીની વચ્ચે મધ્યસ્થતા કરવા તથા તેમની ફરિયાદોને ઉકેલવાની જવાબદારી સોંપાઇ છે. આ પહેલા સોનિયા ગાંધીએ કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ અને વરિષ્ઠ નેતા હરિશ રાવત સાથે બેઠક કરી હતી. પાર્ટીએ સજ્જનસિંહ વર્મા અને ગોવિંદસિંહને બેંગલુરૂમાં રહેલા કેટલાક બળવાખોર ધારાસભ્યોને પોતાના પક્ષમાં કરવા માટે મોકલ્યા છે. આ પહેલા દિગ્વિજય સિંહ સહિત અનેક કોંગ્રેસી નેતાઓએ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવીને કહ્યું હતું કે, રાજ્યમાં કોંગ્રેસ સરકાર પાડવાનું ષડયંત્ર છે. બીજી તરફ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું છે કે, ચિંતાની કોઇ વાત નથી કેમ કે તેમની પાર્ટી વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. તેમણે સાથે જ જણાવ્યું છે કે, તેમની સરકાર પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે. સિંધિયાના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ તેમના જૂથના ૨૨ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધુંં હતું. રાજીનામું આપનારા ધારાસભ્યોમાં છ મંત્રી સામેલ હતા.