(એજન્સી) ભોપાલ,તા.૨૫
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની ૨૦મી માર્ચના રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં હાજર રહેલા પત્રકારનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. એવું પણ જાણવા મળ્યું હતું કે, આ પત્રકારની દિકરીનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવા માટે બોલાયેલી પત્રકાર પરિષદમાં હાજર રહેલા પત્રકારો તથા અધિકારીઓને કોરોના વાયરસના ચેપની શક્યતા ઘટાડવા માટે ક્વોરન્ટાઇન કરવામાં આવશે દરમિયાન કમલનાથે પોતાને પણ ક્વોરન્ટાઇન કર્યા છે. મધ્યપ્રદેશમાં અત્યારસુધી કુલ ૧૪ કેસો કન્ફર્મ થયા છે. હાલ ભારતમાં કુલ ૫૯૭ કોરોનાના પોઝિટિવ કેસો કન્ફર્મ થયા છે જ્યારે ૧૦ લોકોનાં મોત થયા છે.
કોરોના વાયરસના ફેલાવાને જોતાં ભારતભરમાં ૨૧ દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરી દેવાઇ છે. પીએમ મોદીએ મંગળવારે રાતે આઠ વાગે સંબોધન દરમિયાન રાત્રી ૧૨ વાગ્યાથી લોકડાઉનની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે સામાજિક રીતે અંતર રાખવાની લોકોને સલાહ આપી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, આ ૨૧ દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે અને જો લોકોએ લોકડાઉનને કડક રીતે અમલમાં લાવશે નહીં તો સ્થિતિ કાબૂમાં રહેશે નહીં અને અત્યંત ઘેરી અસર પડશે.