(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૬
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણે કમલનાથ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, વિધાનસભાને ૧૦ દિવસ સુધી સ્થગિત કરતા તેઓ ફ્લોર ટેસ્ટથી બચવા માગે છે. કોરના વાયરસને કારણે વિધાનસભામાં લાંબી રજાઓ પાડવા અંગે શિવરાજસિંહે જણાવ્યું હતું કે, વધુ સમય મેળવવા હતાશ કોંગ્રેસ આવું કરી રહી છે પરંતુ કોરોના વાયરસ પણ તેમને બચાવી શકશે નહીં. આ પહેલા ભાજપ ૧૨ કલાકમાં વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટ મંગળવારે આ અંગેની અરજીની સુનાવણી કરશે. ગયા અઠવાડિયે જ્યોતિરાદિત્ય સિંધિયાના વફાદાર ૨૨ કોંગ્રેસી ધારાસભ્યોએ સાગમટે રાજીનામા આપતા રાજ્યની કોંગ્રેસ સરકાર લઘુમતીમાં આવી ગઇ હતી. સ્પીકરે ૨૨ બળવાખોર ધારાસભ્યોમાંથી છ મંત્રીઓના રાજીનામા સ્વીકારતા કોંગ્રેસની સંખ્યા વિધાનસભામાં ૧૦૮ થઇ ગઇ હતી. જો બધા બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવામાં આવે તો કોંગ્રેસની સંખ્યા બહુમતીના આંકડા ૧૦૪થી ઓછી થઇ જશે અને ૧૦૭ સભ્યોવાળો ભાજપ સરકાર બનાવી શકે છે. પાર્ટીને અન્ય સાત ધારાસભ્યોનું સમર્થન છે. મધ્યપ્રદેશ વિધાનસભા હાલ ૨૩૦માંથી ૨૨૨ સભ્યોની છે અને બહુમતીનો આંકડો ૧૧૨નો છે.