(એજન્સી) નવી દિલ્હી, તા.રર
નેવી ઓફિસર પતિ સાથે લગ્ન કર્યાના માત્ર પંદર જ દિવસમાં વિધવા થયેલા કરૂણાસિંહ ચૌહાણ હવે પ્રોફેસરની નોકરી છોડીને પતિના પગલે આર્મીમાં ઓફિસર બનવા જઈ રહ્યા છે. નેવીમાં લેફ્ટનન્ટ કમાન્ડર એવા ધર્મેન્દ્રસિંહ ચૌહાણ સાથે કરૂણાના લગ્ન ૧૨ એપ્રિલ ૨૦૧૯ના રોજ થયા હતા. લગ્ન બાદ તેમના પતિ ડ્યૂટી પર પરત ફર્યા હતા, પરંતુ ૨૬ એપ્રિલે જ તેઓ જે જહાજ પર તૈનાત હતા તે આઈએનએસ વિક્રમાદિત્યમાં આગ લાગી હતી અને તેને ઓલવવા જતાં લેફ્ટનન્ટ ધર્મેન્દ્રસિંહ શહીદ થયા હતા. લગ્ન થયા તે વખતે કરૂણા આગ્રાની એક કોલેજમાં પ્રોફેસર હતા. પતિના મોત બાદ તેમણે ટૂંકા ગાળામાં એક પછી એક પાંચ સ્વજનોને ગુમાવ્યા હતા. જો કે, નાની ઉંમરે જ જીવનમાં સર્જાયેલા આ વાવાઝોડાને અડગ મનથી ટક્કર આપી હવે તેઓ આર્મીમાં ઓફિસર બનશે. લગ્ન બાદ લે. ધર્મેન્દ્રસિંહ ચૌહાણે થોડા જ સમયમાં ડ્યૂટી જોઈન કરી લીધી હતી. તેઓ જે જહાજમાં ફરજ પર હતા તે કર્ણાટકના કારવાડ પોર્ટ પર પહોંચવાની તૈયારીમાં હતું તે વખતે જ તેમાં આગ લાગી ગઈ હતી. આગમાં જહાજને તો કોઈ નુકસાન નહોતું થયું, પરંતુ તેને કાબૂમાં લેવા લે. ધર્મેન્દ્રસિંહે પોતાની જિંદગી દાવ પર લગાડી દીધી. આગ ઓલવવા દરમિયાન તેઓ શહીદ થઈ ગયા. તેમની શહીદીના સમાચાર જેવા તેમના પરિવારજનોને મળ્યા કે તેમના પર જાણે આભ તૂટી પડ્યું. લગ્નના માત્ર ૧૫ દિવસમાં જ પતિને ગુમાવનારી કરૂણાને તો પોતાની સાથે આવું કેમ થઈ ગયું તે જ નહોતું સમજાતું. શહીદ લેફ્ટનન્ટ ધર્મેન્દ્રસિંહ ચૌહાણનો પરિવાર મધ્યપ્રદેશના રતલામનો રહેવાસી છે તેઓ તેમના માતા-પિતાના એકના એક સંતાન હતા. લગ્નના થોડા દિવસ પહેલાં જ પરિવારે નવું ઘર બનાવ્યું હતું. જ્યાં હવે તેમના માતા ટમા કુંવર રહે છે. ધર્મેન્દ્રસિંહનો પાર્થિવ દેહ જ્યારે તેમના ઘરે પહોંચ્યો ત્યારે તેમની માતા કહેતી હતી કે ખૂબ જ ક્યૂટ હતો તેમનો દીકરો, તે રિયલ હીરો હતો. ધર્મેન્દ્રના સાસુએ તેમની માતાને તેમના ઘાયલ થવાના સમાચાર આપ્યા હતા, શહીદ લે. ધર્મેન્દ્ર ચૌહાણના પત્ની કરૂણા આગ્રાની દયાલબાગ યુનિ.માં એસોસિએટ પ્રોફેસર હતા. લગ્ન બાદ તેઓ ખૂબ જ ખુશ હતા, પરંતુ આ ખુશી ગણતરીના દિવસો સુધી પણ નહોતી ટકી. હાથ પરથી મહેંદીનો રંગ ઉતરે તે પહેલાં તો તેમને પતિના મોતના સમાચાર મળ્યા હતા. અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ધર્મેન્દ્રની શહીદીના સમાચાર આવ્યા તેના પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો, તે વખતે તેઓ પોતાની સાસરી રતલામમાં જ હતા. કરૂણા જણાવે છે કે, તે વખતે જાણે ભગવાન પણ તેમની પરીક્ષા કરી રહ્યા હતા. કારણ કે, ખૂબ જ ટૂંકા ગાળામાં તેમણે એક પછી એક પાંચ સ્વજનોને ગુમાવ્યા હતા. એવું લાગતું હતું કે ભગવાન મને કોઈ મહાન કાર્યની જવાબદારી સોંપવા માંગે છે. દરેક છોકરીની માફક મેં પણ લગ્ન અને કરિયરને લઈને કેટલાક સપના સજાવ્યા હતા. પ્રોફેસરની નોકરી મળ્યા બાદ મારા જીવનમાં ધર્મેન્દ્ર આવ્યો હતો, પરંતુ જાણે સેકન્ડોમાં જ બધું વેરવિખેર થઈ ગયું. કરૂણા ચૌહાણ જણાવે છે કે, કેટલાક સમય માટે તેઓ અંદરથી બિલકુલ તૂટી ચૂક્યા હતા. પરંતુ સાસુ ટીના કુંવર ચૌહાણ અને માતા કૃષ્ણાસિંહના શબ્દોએ તેમને હિંમત આપી. આ દરમિયાન ગ્રુપ કેપ્ટન ઈરફાન ખાને તેમને સેનામાં સામેલ થવા માટે પ્રેરણા આપી અને ત્યારબાદ ઈન્દૌરમાં એક નજીકના પારિવારિક મિત્ર કર્નલ નિખિલ દિવાને તેમને એસએસબીના ઈન્ટરવ્યૂ માટે તૈયારી શરૂ કરાવી. તેમના માર્ગદર્શનથી જ કરૂણા ચૌહાણ આ ઈન્ટરવ્યૂ પાસ કરી શક્યા. સશસ્ત્ર દળોમાં એવી જોગવાઈ છે કે, વીર નારી (શહીદની વિધવા)ને લેખિત પરીક્ષામાં ઉપસ્થિત થવાની જરૂર નથી પડતી. તેમને સીધા ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. તેમને સપ્ટેમ્બરમાં જ એસએસબી ભોપાલમાં પહેલીવાર ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમાં તેમની પસંદગી નહોતી થઈ શકી. ૨૭ ઓક્ટોબરે ફરી ઈન્ટરવ્યૂ માટે હાજર થવાનું હતું અને તમામ સ્ટેજને પાર કરીને તેઓ પર્સનલ ઈન્ટરવ્યૂ સુધી પહોંચવામાં સફળ રહ્યા. પોતાના ફાઈનલ ઈન્ટરવ્યૂને યાદ કરતા કરૂણા ચૌહાણ જણાવે છે કે, તે લગભગ ૫૫ મિનિટ સુધી ચાલ્યો હતો. કદાચ તે વખતે હાજર રહેલા તમામ ઉમદેવારોમાં સૌથી લાંબો ઈન્ટરવ્યુ તેમનો રહ્યો હતો. તેઓ પહેલાથી જ પ્રોફેસર હતા અને તે નોકરી છોડી તેઓ આર્મીમાં ઓફિસર બનવા કેમ માંગે છે તે જાણવામાં ઈન્ટરવ્યુ લેનારા લોકોને ખાસ રસ હતો. કરૂણાને તેમના સિલેક્શનનો દિવાળી વખતે ઈમેલ આવ્યો અને તેઓ ૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ ૧૧ મહિનાની ટ્રેનિંગ માટે ચેન્નૈ ઓટીએમાં સામેલ થશે. સેનામાં જ જવાનું કેમ પસંદ કર્યું તેનો જવાબ આપતા તેઓ જણાવે છે કે, તેઓ આર્મી ઓફિસર તરીકે દેશની સેવા કરવા માંગે છે.