આ સૃષ્ટિના સર્જનહારે પોતાના દરેક સર્જનમાં સૌંદર્ય ઠાંસી ઠાંસીને ભર્યું છે. જોનારામાં જો દૃષ્ટિ હોય તો તે કુદરતના આ અફાટ સૌંદર્યને થોડું ઘણું પામી શકે. સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધીમાં સર્જનહાર એવી રંગપૂરણી કરે છે કે પામર માનવી તો તેનો તાગ પણ મેળવી શકતો નથી. વળી કુદરતે જ્યાં માનવી વસવાનું તો દૂર પણ પહોંચીય નથી શકતો એવી જગ્યાએ પણ પોતાનો નજારો વેર્યો છે. અત્રે કેટલીક એવી તસવીરોની શ્રેણી પ્રસિદ્ધ કરી રહ્યા છીએ જે જોઈને તમે પણ કુદરતની વાહવાહી કર્યા વગર રહી નહીં શકો. પ્રસ્તુત તસવીર ચીનના અનહુઈ પ્રાંતની હુંઆગ્શાન પર્વતમાળાની છે. કુદરતની ગતિ કેવી ન્યારી છે તેનો ખ્યાલ આ તસવીર જોઈને જ આવી જાય છે. પહાડીઓ પર તેણે માત્ર સુંદરતા જ નથી બક્ષી પણ અદ્‌ભુત જીવનેય બક્ષ્યું છે. વાદળો સાથે વાત કરતા પર્વતોની ઉંચાઈ, વૃક્ષોની હરિયાળી અને આ બધાયની સાથે જોતાં જ શાતા વળે એવું મૌન….કુદરતને જો ખરેખર માણવી હોય તેની સાથે તાદાત્મ્ય જોડવું હોય તો આવા જ ‘લોકેશન’ પર જવું પડે.