વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી, જ્યારે બપોરે ગરમીથી ડબલ ઋતુનો અનુભવ

અમદાવાદ, તા.૮

રાજ્યમાં હવામાન વિભાગે એક તરફ કમોસમી વરસાદની આગાહી કરી છે, તો બીજી તરફ ઠંડી પોતાનું જોર બતાવવા અગ્રેસર થઈ રહી છે. જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ પણ થઈ રહ્યો છે. ત્યારે પવનની દિશા બદલાતાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. હવે ધીમે-ધીમે ઠંડી જમાવટ કરી રહી છે. પરોઢિયે અને મોડી રાત્રે ઠંડી અને બપોરે સામાન્ય ગરમીનો અહેસાસ થવાથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટાભાગના શહેરના લઘુતમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ગાંધીનગર અને નલિયામાં ૧પ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજ્યમાં ડિસેમ્બર મહિનાથી ઠંડીનું જોર વધવાની શકયતાઓ છે.

હવામાન વિભાગ મુજબ, ૧૦ નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠાંની સંભાવના છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિત જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગરમાં તાત્કાલિક જરૂરી પગલાં લઈ ખુલ્લામાં પડેલા અનાજને નુકસાની ન થાય એની તકેદારી રાખવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. માવઠાંની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર તથા ડીસામાં ઠંડી વધી છે. ૭ કિલોમીટર ઝડપે ઠંડો પવન ફૂંકાતાં લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા. આગામી દિવસોમાં હજુ તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી નીચે જઈ શકે છે.

હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ, કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. અત્યારે રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ ૧૦થી ૧૨ ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. નલિયામાં અને ગાંધીનગરમાં લઘુતમ ૧પ ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે, તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે.

પવનની દિશા બદલાતાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. હવે ધીમે-ધીમે ઠંડી જમાવટ કરી રહી છે. પરોઢિયે ફૂલ ગુલાબી ઠંડી અને બપોરે સામાન્ય ગરમીનો અહેસાસ થવાથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવનોને કારણે રાજ્યના મોટાભાગના શહેરના લઘુતમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. વાત કરીએ લઘુતમ તાપમાનની તો ગાંધીનગર અને નલિયામાં ૧પ ડિગ્રી, વલસાડમાં ૧૬.પ, વડોદરામાં ૧૭.૦, ડીસા અને પાટણમાં ૧૭.પ, કંડલા એરપોર્ટમાં ૧૭.૬, અમદાવાદમાં ૧૭.૭, વલ્લભ વિદ્યાનગરમાં ૧૮.૦ જ્યારે ભૂજ અને સુરેન્દ્રનગરમાં લઘુતમ તાપમાન ૧૯.૪ ડિગ્રી નોંધાયું છે. જ્યારે આગામી દિવસોમાં ઠંડી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.