(એજન્સી) તા.૬
સરકાર વિરોધી પ્રચાર અને કમ્પ્યુટરબાબા તરીકે ઓળખાતા માણસ માટે કહાણીમાં આવેલ અણધાર્યા વળાંકના પગલે કમ્પ્યુટરબાબા અને અન્ય ચાર હિંદુ સંતો મ.પ્ર.માં જુનિયર પ્રધાન બન્યા છે. કમ્પ્યુટરબાબાનું અસલી નામ સ્વામી નામદેવ છે તેમને કમ્પ્યુટરબાબા તરીકે એટલે ઓળખવામાં આવે છે કે તેમનું મગજ કમ્પ્યુટર જેવુ છે. તેમની યાદદાસ્ત અદ્‌ભૂત છે, બાબાના હાથમાં હંમેશા લેપટોપ જોવા મળે છે અને સાથે સાથે તે વાઇફાઇ ડોંગલ, મોબાઇલ ફોન અને અત્યાધુનિક ગેજેટ સાથે રાખે છે.
છ મહિના પહેલા કમ્પ્યુટર બાબા તરીકે ઓળખાતા હિંદુ સાધુ નામદેવદાસ ત્યાગી રાજ્યમાં ભાજપ સરકાર વિરુદ્ધ ભયાનક ઝુંબેશ ચલાવતા હતા. નર્મદા નદીના સંરક્ષણમાં મોટા પાયે કૌભાંડ અને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને કમ્પ્યુટર બાબાએ ૧ એપ્રિલથી મે ૧૫ દરમિયાન યોજાનારી છ સપ્તાહ લાંબી નર્મદા ગોટાળા યાત્રામાં ભાગ લેવા માટે કમ્પ્યુટર બાબાએ દેશભરના સેંકડો સાધુસંતોને એકત્ર કર્યા હતા. ૩૧ માર્ચે મુખ્યપ્રધાન શિવરાજસિહ ચૌહાણ સાથેની બેઠક બાદ સ્થિતમાં ફેરફાર થયો હતો. નર્મદાના સંરક્ષણ માટે સ્પેશિયલ સરકારી સમિતિમાં કમ્પ્યુટરબાબા અને અન્ય ચાર સાધુઓનો સમાવેશ કરાયો હતો.
૩ એપ્રિલે રાજ્ય સરકારે આ પાંચેય ધાર્મિક નેતાઓને રાજ્યના પ્રધાનનો દરજ્જો આપ્યો હતો. આમ ભાજપના પ્રધાન બનતાની સાથે જ કમ્પ્યુટર બાબામાં એક ઝડપી પરિવર્તન આવ્યંુ હતું. રાજ્યકક્ષાના પ્રધાન તરીકે નવી ભૂમિકામાં સાધુઓને દર મહિને રૂા.૭૫૦૦ના ભથ્થા ઉપરાંત મહિને અન્ય લાભો મળશે.
કમ્પ્યુટરબાબાએ નર્મદા ગોટાળા યાત્રાનું આયોજન કર્યુ હતું. તેમણે એવી ઝુંબેશ ચલાવી હતી કે રાજ્ય સરકાર રેતી માફિયાઓને નર્મદામાંથી ગેરકાયદે ખનન કરવા દે છે તેમજ નદીના કિનારે ૧૦૦ કરોડ વૃક્ષારોપણ પ્રોજેક્ટ પણ માત્ર કાગળ પર જ રહ્યો છે. જ્યારે હવે કમ્પ્યુટર બાબાનું વલણ બદલાઇ ગયું છે. એક મુલાકાતમાં કમ્પ્યુટરબાબાએ એવો દાવો કર્યો હતો કે મને તેમજ અન્ય સાધુઓને પ્રધાન બનાવવા બદલ હું ભાજપ સરકારનો આભારી છું. અમે અમારામાં વિશ્વાસ મુકવા બદલ સાધુ સમુદાય વતી સરકારનો આભાર માનીએ છીએ. અમે સમાજના કલ્યાણ માટે કાર્ય કરવા અમારાથી બનતા પ્રયાસો કરીશું.