કરજણના વલણ ગામે “ટીકિકા અકેડમી અને ઝ્રજીઝ્ર અકેડમી”ના સંયુક્ત ઉપક્રમે ૭૨મા પ્રજાસતાક પર્વની ઉજવણી સાદગીપૂર્ણ અને સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી.
પર્વની શરૂઆત તિલાવતે કુર્આનથી કર્યા બાદ છાત્રાઓએ પ્રાર્થના રજૂ કરી હતી, મહેમાનોનું શબ્દગુચ્છથી અભિવાદન બાદ ચાર બાળકોએ પ્રજાસતાક દિન વિશે ચોટદાર વિચારો રજૂ કર્યા. ત્યારબાદ દેશભક્તિ ગીત, ઝંડા ગીત દ્વારા ભારત દેશની ગરિમા અને ભવ્યતાનું પ્રતિબિંબ પાડવામાં આવ્યું. અકેડમીના ડાયરેકટર તૌસીફ કિકાએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.
પ્રજાસતાક દિનની ઉજવણી નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે પધારેલા વલણ હાઈસ્કૂલના પ્રમુખ ઈખરિયા યુસુફે બાળકોને ઉદ્દબોધન કરતા કહ્યું કે, “જીવનમા કઈક સારૂં મેળવવા માટે સખત મહેનત કરવી પડે છે, જો તમે તરક્કી કરવા માગતા હોય તો માતા-પિતા, વડીલો અને તમારા શિક્ષકોનો આદર કરો; એમનું કહેવું માનો તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવી આપણા સમાજમાંથી અભણતાને દૂર કરો.”
અકેડમીના ડાયરેકટર તૌસીફ કિકાએ છાત્રોના વાલીઓને એમની બંધારણીય ફરજ યાદ અપાવતા કહ્યું કે, “તમારા બાળકો ફરજીયાત શિક્ષણ મેળવી સમાજ અને દેશ માટે ઉપયોગી બને એવા સંસ્કારોનું સિંચન કરો. સાથે સાથે બાળકોને ભારતના બંધારણે આપેલ મૂળભૂત હક ’શિક્ષણ મેળવવાનો અધિકાર’ છે તો તમારે બાળ મજૂરી તરફ ન જતાં જ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારવાની છે.”
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વલણ હાઈસ્કૂલના પ્રમુખ માસ્તર યુસુફ ઈખરિયા, માજી તાલુકા સદસ્ય ઈશાક દરવેશ, વલણ હોસ્પિટલના પ્રમુખ અબ્દુલવલી મટક, સન્માનિત શિક્ષક બશીર રાજા ઉપસ્થિત રહ્યા હતા. અંતે બાળકોએ રાષ્ટ્રીય ગીત રજૂ કર્યુ. આ ખુશીના પ્રસંગે અકેડમી તરફથી મોઢું મીઠું કરાવ્યું હતું.