(સંવાદદાતા દ્વારા)
પાલેજ, તા.૪
કરજણ ખાતે માર્ગો પર પડેલા મસમોટા ખાડાઓના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો, કોંગ્રેસના કાર્યકરોએ ખાડામાં વૃક્ષો રોપી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ અને વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ શુક્રવારના રોજ કરજણ નગર ખાતે કરજણ તાલુકા તેમજ નગર કોંગ્રેસ સમિતિના માધ્યમથી રસ્તા ઉપર પડેલા ખાડા-ભુવાઓનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રસના કાર્યકરોએ એસ.ટી. બસ ડેપો પાસે એકત્ર થઇ “હાય રે ભાજપ હાય હાય” “ખાડા વાલી યે સરકાર નહીં ચલેગી નહીં ચલેગી” જેવા ગગનભેદી નારાઓ લગાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું. ત્યારબાદ માર્ગ પડેલા ખાડામાં વૃક્ષો રોપી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. કાર્યક્રમ સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કાર્યક્રમમાં નીલાબેન ઉપાધ્યાય, ભરતભાઈ અમીન, મુબારક પટેલ, અભિષેક ઉપાધ્યાય, કિરીટ સિંહ જાડેજા, ભાસ્કર ભટ્ટ, અશોક સિંહ રાણા તેમજ કોંગી કાર્યકરો મોટી સંખ્યમાં જોડાયા હતા.