(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રર
નર્મદા નદીમાં પૂરતું પાણી ન હોવાનું કારણ આગળ ધરી રાજ્ય સરકારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે કરજણ ડેમમાંથી નર્મદા નદીમાં ૩ હજાર ક્યુસેક પાણી છોડવા આદેશ કરતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. કોંગ્રેસે જણાવ્યું છે કે કરજણ ડેમમાંથી નર્મદામાં પાણી ઠાલવવા પાછળનું કારણ નર્મદા જયંતિનો ઉત્સવ છે. જો કરજણનું પાણી નર્મદામાં ઠલવાશે તો કરજણ અને કડાણાના ખેડૂતોને અને પ્રજાને પીવાનું પાણી ક્યાંથી મળશે ? તેનો ભાજપ સરકાર જવાબ આપે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે ચૂંટણી પહેલા નર્મદા ઉત્સવના નામે જુદા જુદા સરોવર અને ડેમોમાં લાખો ફીટ પાણી ઠાલવીને સરકારી ખર્ચે પ્રસિદ્ધિના ચૂંટણીલક્ષી કાર્યક્રમો કર્યા હતા. આજે એ તમામ તળાવો અને ડેમોમાં પાણી નથી. ભાજપ સરકારને અગાઉથી જ ખબર હતી તો પછી પાણીનો આ રીતે બગાડ કરવાનું કારણ શું ? કરજણ અને કડાણાના નાગરિકો અને ખેડૂતો માટે વિશ્વાસપાત્ર પાણીના સ્ત્રોત છે. તે સંજોગોમાં કરજણમાંથી પાણી આ રીતે રાતોરાત માત્રને માત્ર નર્મદા જયંતિ માટે પાણી છોડવાનો નિર્ણય કેટલે અંશે વ્યાજબી ? ભાજપ સરકારના આદેશથી કરજણ ડેમમાંથી ૩ હજાર ક્યુસેક મીટર રાતોરાત પાણી છોડવાના નિર્ણયને કારણે ખેડૂતોના પાક મોટા પાયે ધોવાયા હતા.
નર્મદા યોજનામાંથી ગુજરાતના ભાગે આવનાર ૯ એકર મિલિયન ફીટ પાણી વર્ષોથી ઉપલબ્ધ છે. પરંતુ ભાજપ સરકારની ગુનાહિત બેદરકારીના કારણે ૪૩૦૦૦ કિમીની નર્મદાની કેનાલ, માઈનોર, સબ માઈનોર તથા ફિલ્ડ ચેનલ બની નથી પરિણામે નર્મદાનું ૬ મિલિયન એકર ફીટ પાણી દરિયામાં વહી જાય છે અને ગુજરાતના ખેડૂતોને નર્મદાનું પાણી મળતું નથી. દરવાજા બંધ કરવાથી જે વીજળી પેદા થશે તે તો પાડોશી રાજ્યોને આપવાની છે. ગુજરાતનો વીજળીનો હિસ્સો નહીંવત છે. ગુજરાતને સાચો ફાયદો પાણીનો છે. કેનાલના કામો માટે કોઈની મંજુરીની જરૂર ન હોવા છતાં કેનાલના રર વર્ષ સુધી કેમ પૂર્ણ ન કર્યા ?
નર્મદાના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં આવેલ પાંચ ડેમો વીજળી પેદા કરે છે તેથી તેમને ફરજિયાત પાણી છોડવું પડે છે જે સરદાર સરોવર ડેમમાં આવે છે. જેથી દરવાજા બંધ ન થાય તો પણ ગુજરાતના હિસ્સાનું ૯ એકર મિલિયન ફીટ પાણી મળે જ છે. કેનાલના કામો ન થયા હોવાથી આ પાણી ખેડૂતોને મળવાના બદલે દરિયામાં વહી જાય છે. આયોજન પંચ તથા કેગે કહ્યા છતાં (હોરીજેન્ટલ) સમાંતર રીતે કેનાલનું કામ ન કર્યું હોવાથી ખેડૂતોને પાણી મળતું નથી. દર સિઝનમાં ખેડૂતોને ૧૮૦૦ કરોડથી વધારેનું નુકસાન થયું છે. નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા નર્મદા યોજનામાં ક્યારેય રાજકારણ કરવામાં આવેલ નથી.