(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૪
પદ્માવત ફિલ્મના વિરોધમાં કરણી સેના દ્વારા અગાઉ અપાયેલા ભારત બંધના એલાન સંદર્ભે હવે કરણી સેનામાં બે ફોટા પડી ગયા છે. સરકાર સાથેની વાટાઘાટો બાદ કરણી સેનાના પ્રમુખે આવતીકાલે બંધમાં ન જોડાવવા અપીલ કરી છે તો બીજું જૂથ બંધ રાખવા મક્કમ છે. આવતીકાલે પદ્માવત ફિલ્મને કોઈપણ ભોગે રિલીઝ નહીં કરવા દેવાની ધમકી સાથે કરણી સેના દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. એ અગાઉ લોકોમાં દહેશતનો માહોલ ઊભો કરવા હાઈવે પર ઠેર-ઠેર ચક્કાજામ, તોડફોડ, આગચંપી જેવી હિંસક ઘટનાઓ સર્જવામાં આવી હતી. અમદાવાદમાં મંગળવારની રાત્રે હિંસાનો જે રીતે નગ્નનાચ ખેલાયો તેનાથી લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે. દરમિયાન આજરોજ કરણી સેનાના ગુજરાતના પ્રમુખ દ્વારા રાજ્ય સરકાર સાથે વાટોઘાટો કરી આવતીકાલે ભારત બંધના એલાનમાં ન જોડાવવા લોકોને અપીલ કરી છે અને શાંતિ જાળવી રાખવા અનુરોધ કર્યો છે. બીજી તરફ અન્ય રાજપૂત સંગઠનો લડી લેવાના મૂડમાં છે અને ભારત બંધના એલાનમાં જોડાવવા લોકોને અપીલ કરી છે. આ બંધના એલાનને ટેકો આપવા આજરોજ ઠેર-ઠેર દેખાવો, રેલી અને ધરણા પણ યોજાયા હતા અને લોકોને બંધમાં જોડાવા અપીલ કરી હતી. આ જોતા રાજપૂત સંગઠનોમાં બે ફોટો પડી ગયાનું સ્પષ્ટ થતું હતું.
કરણી સેનાના પ્રમુખ દ્વારા બંધમાં ન જોડાવા અપીલ તો અન્ય સંગઠનો બંધ પાળવાના મૂડમાં

Recent Comments