નવી દિલ્હી,તા.૮
નાણાં મંત્રી નિર્મલા સીતારામણે કરદાતાઓને રાષ્ટ્ર નિર્માતા ગણાવ્યા છે અને સરકાર તેમના માટે અધિકાર પત્ર જાહેર કરશે. વધુમાં નિર્મલા સીતારામણે જણાવ્યું કે, સરકારે ઈમાનદાર કરદાતાઓ માટે વસ્તુ સ્થિતિ વધુ સરળ બનાવવા સરળીકરણ, પારદર્શિતા વધારવા અને દરને હળવા બનાવવા સહિત અનેક ઉપાય કર્યા છે. તેમણે જણાવ્યું કે, ’મને એ વાતનો આનંદ છે કે વડાપ્રધાનની અધ્યક્ષતામાં સરકાર ઈમાનદારીપૂર્વક ભારતીય કરદાતાઓને વધુ સારી સુવિધા મળવાની જરૂર છે તેમ વિચારે છે. એક જાહેરાત છે જેના અંગે હું વિસ્તારપૂર્વક નહીં જણાવું. પરંતુ તે એ છે કે અમે ભારતીય કરદાતાઓના અધિકાર માટે ઘોષણા પત્ર લાવીશું.’ નાણાં મંત્રીએ શાસ્ત્ર વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત પ્રખ્યાત ન્યાયવિદ નાની પાલખીવાલાના શતાબ્દી સમારંભ કાર્યક્રમ દરમિયાન આ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, વિશ્વમાં ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકા જેવા થોડાક જ દેશ છે જ્યાં કરદાતાઓ માટે અધિકાર પત્ર છે. ’તે જેટલા સ્પષ્ટ સ્વરૂપમાં રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી કે ફરજોને બતાવે છે તેટલી જ સ્પષ્ટ રીતે અધિકારોનો ઉલ્લેખ કરે છે. અમે આ માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. મેં આત્મનિર્ભર અભિયાન અંતર્ગત આની જાહેરાત કરી હતી. અમે કરદાતાઓને તેમના અધિકારોનું ઘોષણા પત્ર ઉપલબ્ધ કરાવવા માટે ખૂબ જ ગંભીર છીએ.’ બજેટમાં કરદાતાઓના ’ચાર્ટર’ની જાહેરાત કરવામાં આવી હતી. તેને બંધારણીય દરજ્જો મળશે તેવી આશા છે અને તે નાગરિકોને આવકવેરા વિભાગ દ્વારા સમયબદ્ધ રીતે સેવા સુનિશ્ચિત કરશે. સીતારામણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરદાતાઓને રાષ્ટ્ર નિર્માતા કહ્યા છે અને એક ઈમાનદાર કરદાતા દેશના નિર્માણમાં મદદ કરે છે.