નવી દિલ્હી,તા.ર૮
કરનાલથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ અશ્વિનીકુમાર ચોપડાએ હરિયાણાના પંજાબ કેસરી અખબારના સંપાદકીયમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની તેમના દાદીમા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે સરખાવીને દેશ અને ઉત્તરપ્રદેશમાં તેમની ખૂબ જ જરૂર હોવાનો ઉલ્લેખ કરતા ભગવા છાવણી માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. કરનાલ ભાજપ સાંસદ અશ્વિનીકુમાર ચોપડાએ પંજાબ કેસરીમાં શુક્રવારે લખ્યું કે, પ્રિયંકા ગાંધી વાડ્રાના રાજકારણ સત્તાવાર પ્રવેશથી આગામી લોકસભા ચૂંટણીમાં પ્રિયંકાનો પ્રભાવ મોટી અસર પડશે અને પાર્ટીનું નસીબ બદલી શકે છે. ચોપડાએ તેમના લેખમાં લખ્યું કે ઈન્દિરા ગાંધીની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતા પ્રિયંકા ગાંધી સામે દેશ અને ખાસ કરીને ઉત્તરપ્રદેશના લોકોએ આશાની મીટ માંડી છે. ચોપડાએ દાવો કર્યો કે, કોંગ્રેસની રાજનીતિ કયારેય ધર્મ, જાતિ અને સમુદાયને વહેંચનાર વિભાજનકારી રહી નથી. આમ વિકટ સમયમાં પણ પાર્ટીએ ગાંધી, નહેરૂ, મૌલાના આઝાદ તેમજ આંબેડકરથી માંડીને ઈન્દિરા ગાંધી સુધીના નેતાઓએ લીધેલા નેતૃત્વના સિધ્ધાંતોને નેવે મુકયા નથી અને આઝાદી પછી ગરીબ વર્ગ માટે તનતોડ મહેનત કરીને ભારતનો સતત વિકાસ સર કર્યો લેખમાં આગળ લખ્યું છે કે કોંગ્રેસે હંમેશા વિધ્વંશના રાજકારણનોં તિરસ્કાર કર્યો છે અને સર્જનાત્મકતાને જ રાજકારણનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું છે. વાસ્તવમાં પાછલી સદીનો સંપૂર્ણ ભારતનો ઈતિહાસ એ કોંગ્રેસ પાર્ટીનો ઈતિહાસ છે. જનતાએ કોંગ્રેસ દ્વારા હાથ ધરાયેલ ઝુંબેશથી દેશની તસવીર બદલાતી જોઈ છે. વિદેશો પાસેથી મદદ માગવા કરતા આત્મનિર્ભરતા અને પરમાણુ શકિત સાથે જ સમગ્ર દુનિયામાં માનવીય મૂલ્યનું મજબૂત ગઢ બનતા જોયું છે.