(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૫
આણંદ જિલ્લાનાં કરમસદ ગામ છેલ્લા કેટલાક દિવસોથી સતત વિવાદોમાં રહ્યું છે. કરમસદ હિત રક્ષક સમીતી દ્વારા કરમસદ ગામને રાષ્ટ્રીય દરજજો આપવાની માંગ સાથે ઉપવાસ આંદોલન કર્યા બાદ ગઈકાલથી કરમસદ નાગરીક સમીતી દ્વારા પણ ગોચરની જમીનમાથી કરાયેલા માટી કૌભાંડને લઈને પ્રતીક ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો છે ત્યારે આજે કરમસદ સ્થીત સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસ સ્થાને છેલ્લા પ૦ વર્ષથી પ્રજવલ્લીત અખંડ જયોત બંધ કરી તેની જગ્યાએ એલઈડી લાઈટ મુકી દેવામાં આવતાં સરદાર પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને અખંડ જયોત બંધ કરવાનો વિવાદ સર્જાયો છે. જો કે સરદાર સ્મારક ટ્રસ્ટ દ્વારા સલામતીના કારણોસર આ અખંડ જયોત બંધ કરી તેની જગ્યાએ સીમ્બોલીક ઈલેકટ્રીક જયોત શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
આ અંગે કરમસદ ગામના નીરવ પટેલે કહ્યું હતું કે સરદાર સ્મારકમાં આવેલી આ અખંડ જયોત છેલ્લા પ૦ વર્ષથી જળહળી રહી હતી અને સરદાર પ્રેમીઓ માટે તે આસ્થાનું પ્રતિક છે. ત્યારે સરદાર સ્મારક ટ્રસ્ટ દ્વારા આ અખંડ જયોત બંધ કરવાનું પગલુ ખરેખર શરમજનક છે ત્યારે ટ્રસ્ટ દ્વારા આ અખંડ જયોતને પુનઃ પ્રજવલ્લીત કરવામાં આવે તેવી માંગ કરી હતી.
જયારે જગદીશ સોલંકીએ જણાવ્યું હતું કે સરદારની આસ્થા સાથે આ જયોત જોડાયેલી હતી. દેશ વિદેશથી આવતા સરદાર પ્રેમીઓ આ જયોતના દર્શન કરતાં હતાં શું સરદારના નામે ચરી ખાતા લોકો પાસે અખંડ જયોત માટે ૧૦૦ ગ્રામ તેલ કે ઘી ના નાણાં નથી. તેમ કહી ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો.
આ અંગે સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટના મેનેજીંગ ડીરેકટર એચ. એમ. પટેલે જણાવ્યું હતું કે કોઈપણ હેરીટેજ સ્થળે આગ લાગે તેવી કોઈ વસ્તુ હોવી જોઈએ નહીં તેમજ આ અખંડ જયોતના કારણે થતાં ધુમાડાથી સરદારના ઐતીહાસીક ફોટાઓને નુકસાન થઈ રહ્યું હતું તેમજ ઐતીહાસીક મકાનને પણ નુકસાન થઈ રહ્યું હતું. તેમજ જો આગ લાગવાની ઘટના બને તો સરદાર પટેલની ધરોહર સમા આ સ્મારક નષ્ટ થવાની પણ ભીતિ હતી. તેમજ હેરીટેજ વિભાગની દિલ્હીથી આવેલી ટીમ દ્વારા પણ આ અખંડ જયોત બંધ કરવા જણાવ્યું હતું. જેના કારણે સરદારની આ ઐતીહાસીક ધરોહરને કાયમ રાખવા માટે અને તેની સલામતી માટે આ અખંડ જયોત બંધ કરવામાં આવી છે.