સુરત,તા.૨૫
દિવાળી સમયે ચોરીને અંજામ આપતી અલગ અલગ ગેંગો સક્રિય થતી હોય છે. ત્યારે શહેરમાં દુકાનોના શટર ઊંચા કરી ચોરી કરતી નેપાળી ગેંગને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડી મોટી સફળતા મળી છે. પોલીસે તેમની પાસેથી ૧.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા પાંચ શખ્સોની એક ગેંગને ઝડપી પાડવામાં આવી છે. આ લોકો ટોળકી બનાવી શહેરમાં ચોરીને અંજામ આપતા હતા. હાલ દિવાળી તહેવાર ચાલી રહ્યો છે, અને આવા સમયે ચોરીની ઘટનાનું પ્રમાણ વધી જતુ હોય છે. સુરત પોલીસે પણ પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચ પોલીસે શહેરમાં ચોરી કરતી ૫ શખ્સોની નેપાળી ગેંગને ઝડપી પાડી છે. આ ટોળકી રાત્રે ચાઈનીઝની લારી કે ચાની કિટલી પર ચોરીનો પ્લાન બનાવતા હતા. ત્યાર બાદ ચોરીને અંજામ આપતા હતા. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આ ટોળકીની ચોક્કસ બાતમી મળી હતી. જેને આધારે તેને પકડવામાં સફળતા મળી છે. ક્રાઇમબ્રાંચે બાતમીને આધારે નેપાળી ગેંગના નવરાજસીંગ જ્યસીંગ વિશ્વકર્મા, લલીત ઉર્ફે લાલા નદું વિશ્વકર્મા, પ્રહલાદ ઉર્ફે રવિ જોગી દમાઈ, ક્રિષ્ના ઉર્ફે કિશન રામબહાદુર નેપાલી અને જીતેન્દ્ર ઉર્ફે ગોરીયા અર્જુનસિંહ તીરવાને પકડી ચાર ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલી નાખ્યા હતા.