દાહોદ, તા.૧પ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંવેદનશીલ અભિગમના કારણે રાજ્યમાં ઉત્તરાયણ દરમિયાન ચાલવવામાં આવેલા કરૂણા અભિયાનને પરિણામે દાહોદ નગર અને જિલ્લામાં પતંગના દોરથી ઘાયલ ૪૮ પક્ષીઓને નવજીવન મળ્યું છે. જો કે, પતંગના દોરથી ગંભીર રીતે ઘાયલ ત્રણ પક્ષીઓને બચાવી શકાયા નથી.
ઉક્ત અભિયાનની વિગતો આપતા સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક આર. એમ. પરમારે કહ્યું કે, દાહોદ જિલ્લામાં પ્રકૃત્તિ મિત્ર મંડળ સહિતની સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરૂણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખાસ પ્રકારની કિટ્‌સ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સ્થળ પર એમ્બ્યુલન્સ મોકલી આ પક્ષીઓને લઈ સારવાર કરવામાં આવી હતી.
ઉત્તરાયણના દિવસે દાહોદ નગર અને જિલ્લામાં કુલ ૫૧ પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થયા હતા. જેમાં મોટાભાગના શાંતિના દૂત ગણાતા કબૂતરનો સામવેશ થાય છે. આ પક્ષીઓ તુરંત સારવાર આપવામાં આવી હતી. જે પૈકી ૪૭ પક્ષીઓને આકાશમાં છોડી મૂકવામાં આવ્યા છે. આજની સ્થિતિએ એક પક્ષી હજુ સારવાર હેઠળ છે. જ્યારે, ત્રણ પક્ષીઓ મૃત્યુ પામ્યા છે. આ અભિયાનમાં પશુપાલન વિભાગના તબીબોનો સહયોગ અમૂલ્ય રહ્યો હતો.
વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર સંજય વર્માએ જણાવ્યું કે, ઉત્તરાયણના દિવસે સમગ્ર દાહોદ જિલ્લામાં ૩૦૦થી વધુ વીજસૈનિકોએ સેવા બજાવી હતી. એમજીવીસીએલને ૨૨૫ જેટલી લાઇન ટ્રીપિંગની ફરિયાદો મળી હતી. આ લાઈનનો તુરંત રિપેર કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો. વીજલાઇનમાં ફસાયેલી પતંગને કાઢવા જતાં લાઇનો ટ્રીપ થવાનું બહુધા કિસ્સામાં ધ્યાને આવ્યું છે.
દાહોદ જિલ્લામાં પતંગ ચગાવતી વેળાએ પડવાથી બે કેસમાં અને પતંગ લૂંટવા જતાં બાઇક સાથે અથડાઇ જવાના એક કેસમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તુરંત સારવાર આપવામાં આવી હોવાનું જીવીકેના દર્શક જોશીએ જણાવ્યું હતું.