વડોદરા,તા.રપ
ગુજરાત સરકાર દ્વારા વડોદરાની આસપાસમાં આવેલા ૭ ગામનો વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવાનો નિર્ણય તાજેતરમાં જ લેવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયનો ગ્રામજનો દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે. કરોડિયા ગામના લોકોએ થાળીઓ વગાડીને અને પાલિકાનું પૂતળા દહન કરીને વિરોધ વ્યકત કર્યો હતો. આ સાથે ૭ ગામોના પ્રતિનિધિ મંડળે પાલિકાની કચેરી ખાતે પ્રતિક ઉપવાસ ઉપર બેસવાની મંજૂરી આપવાની માગ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.
સરકાર દ્વારા વડોદરા મહાનગરપાલિકામાં વડોદરાની આસપાસમાં આવેલા ૭ ગામોનો સમાવેશ કરવાના લીધેલા નિર્ણયના વિરોધમાં રોજરોજ ગામોમાં વિવિધ કાર્યક્રમો સાથે દેખાવો સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. આજે કરોડિયા ગામના લોકોએ થાળી વગાડીને અને પાલિકાના પૂતળાનું દહન કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ઉંડેરા, સેવાસી, બીલ, વેમાલી, કરોડિયા, ભાયલી અને વડદલા મળીને કુલ ૭ ગામના પ્રતિનિધિઓએ કોર્પોરેશનમાં સમાવિષ્ઠ કરવા માટે લેવાયેલા નિર્ણયના વિરોધમાં પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, કોરોના વાયરસની મહામારીમાં સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય અયોગ્ય છે. તમામ ૭ ગામના લોકોમાં સરકારના નિર્ણય સામે વિરોધ છે. ત્યારે જયાં સુધી આ નિર્ણય પરત ન ખેંચાય ત્યાં સુધી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું નક્કી કર્યું છે. જેથી અમને પાલિકા પરિસરમાં ૭ ગામોના પ્રતિનિધિ મંડળને પ્રતિક ઉપવાસ આંદોલનની છુટ આપવા માગણી કરવામાં આવી છે. આવેદનપત્રમાં એમ પણ જણાવ્યું છે કે ગ્રામજનો દ્વારા કોવિડ-૧૯ના નિયમોનું ચુસ્તપાલન કરવામાં આવશે. દરરોજ દરેક ગામનો એક પ્રતિનિધિ પ્રતિક ઉપવાસમાં જોડાશે અને પ્રતિક ઉપવાસમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે. જો સરકાર દ્વારા કોવિડ-૧૯ની મહામારીના સમયમાં ગ્રામજનોના વિરોધ વચ્ચે કોર્પોરેશનમાં ગામોનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવતો હોય, તો ગ્રામજનોને તેમના હક માટે આંદોલન કરવાની છુટ આપવા માગણી કરવામાં આવી છે.