(એજન્સી) તા.ર૭
શહેરી વિસ્તારોમાં ગીચ વસ્તી, નબળા આરોગ્ય માળખા અને વસ્તીના દૃષ્ટિકોણથી વિશ્વનો પાંચમો સૌથી મોટો દેશ પાકિસ્તાને કોરોના વાયરસ મહામારી ઉપર કઈ રીતે નિયંત્રણ મેળવ્યું, આ નિષ્ણાંતો સહિત સામાન્ય લોકો માટે પણ એક મોટો પ્રશ્ન છે. જો કે કોરોના મહામારીની શરૂઆતમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે પાકિસ્તાન જેવા દેશમાં આનુ ભયંકર રૂપ જોવા મળશે. પાકિસ્તાનમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યાના છ મહિના પછી, દેશમાં સક્રિય કેસોની સંખ્યા ઝડપી રીતે ઘટી રહી છે., જેની સાથે મૃત્યુ પામનારની સંખ્યા માત્ર એક આંકડા સુધી મર્યાદિત રહી ગઈ છે. પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોનાના ર,૯૩,ર૬૧ કેસો સામે આવ્યા છે, જેમાંથી ૬,૩૪૧ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જૂન મહિનામાં ટોચે પહોંચ્યા પછી પ્રત્યેક દિવસ સક્રિય કેસોની સંખ્યા ઝડપથી ઘટીને ફક્ત ૧૦,૦૯૧ રહી ગઈ છે. જો કે આવનારા મહિનામાં ખુલવા વાળી શાળાઓ, મોટા વિવાહ સમારંભો અને ધાર્મિક આયોજનોને ધ્યાનમાં રાખતા નિષ્ણાંતોએ બીજા વેવ અંગે ચેતવણી જાહેર કરી છે. પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં સૌથી મોટા સરકારી હોસ્પિટલ જિન્નાહ મેડિકલ સેન્ટમાં અત્યારે કોવિડ-૧૯ના ફક્ત ૧૪ દર્દીઓ દાખલ છે, જ્યારે જૂનમાં હોસ્પિટલો ભરેલા હતા અને દર્દીઓની સંખ્યા પ્રમાણે પૂરતા બેડ પણ ન હતા. કરાચી આગા ખાન યુનિ.ના હોસ્પિટલમાં સંક્રમક રોગ વિભાગના પ્રમુખ ડો.ફૈસલ મેહમૂદનું કહેવુ છે કે દર્દીઓની સંખ્યામાં ઘટાડો વાસ્તવિક છે, જેમાં કોઈ શંકા નથી. અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે હતા કઈ રીતે શક્ય બન્યું ? નિષ્ણાતો અને ડોક્ટરોનું કહેવું છે કે આના પાછળ ઘણા કારણો હોઈ શકે. તબક્કાવાર લોકડાઉન, હોસ્પિટલોમાં અસરકારક સંચાલન, ઉપચાર પ્રોટોકોલ, લોકોની ખાવા-પીવાની આદતો અને સંસ્કૃતિ સંબંધિત વર્તન આવા પરિણામો માટે અસરકારક હોઈ શકે છે. સાર્વજનિક આરોગ્ય સંશોધનકર્તા અને સંક્રમિત રોગોના નિષ્ણાંત ડો.અદનાન ખાનનું કહેવુ છે કે સરકારે સમર્પિત કોરોના સર્વેલન્સ સેલ બનાવીને સૂચનાઓ અને પ્રતિક્રિયાઓનો સંકલન કરવામાં મદદ કરી છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસના પરિક્ષણ પછી મૃત્યુ પામનાર દર્દીઓ ર.૧૬% છે, જ્યારે બ્રિટનમાં ૧ર.૭%, ઈટલીમાં ૧૩.૭% અને ફ્રાન્સમાં ૧૧.૧ ટકાની સંખ્યામાં છે.