(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
કામરેજમાં મોટીમાત્રામાં ગાંજાનો જથ્થો પકડવામાં નિષ્ફળ નિવડેલાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ના પીએસઆઈ અને કામરેજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવાતાં પોલીસ ખાતામાં ખળબળાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, પીઆઈના પ્રમોશનની લીસ્ટમાં સસ્પેન્ડેડ બંને પોલીસ સબ ઈન્સપેક્ટરના નામો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સમગ્ર સુરત જિલ્લામાં પ્રોહીબીશન અને ગાંજાની પ્રવૃત્તિ ઝડપવામાં સૌથી નિષ્ફળ નિવડેલી સુરત જિલ્લા પોલીસ અધિકારીઓનો સસ્પેન્ડ થવાનો સિલસિલો યથાવત્‌ રહેવા પામ્યો છે. આ વખત તો સુરત જિલ્લાના એસઓજીમાં ઈન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર પીએન ઝીંઝુવાડિયા અને કામરેજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. તરીકેનો ચાર્જ સંભાળનાર પી.એસ.આઈ. મુકેશ તોમરને સસ્પેન્ડ કરી દીધા છે. કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા કેટલાક દિવસો પહેલા ગુજરાત ક્રાઈમ બ્રાંચની ટીમે ધામા નાંખ્યા હતા અને સ્થાનિક પોલીસને ભનક પણ ન પડે તે રીતે કરોડો રૂપિયાનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે કામરેજ પોલીસ અને એસ.ઓ.જી.ની ટીમ ઊંઘતી ઝડપાઈ હતી. આ અંગે ગાંધીનગરના ઉપરી પોલીસ અધિકારીઓ દ્વારા ખાતાકીય તપાસ બેસાડવામાં આવી હતી. જેમાં કામરેજ પોલીસના પી.એસ.આઈ. મુકેશ તોમર અને એસ.ઓ.જી.ના પ્રતિક ઝીંઝુવાડિયા ગાંજાનો જથ્થો પકડવામાં નિષ્ફળ નિવડ્યા હતા. જેથી આ બંને આરોપીઓને નોકરી પરથી બરતરફ કરી દેવામાં આવ્યા છે.