(એજન્સી)
નવી દિલ્હી, તા. ૩૦
કર્ણાટકના મંત્રી અને ભાજપના નેતા કેએસ ઇશ્વરપ્પાએ સોમવારે જણાવ્યું હતું કે, તેમની પાર્ટી કોઇપણ હિંદુ સમાજની વ્યક્તિને ટિકિટ આપશે પછી તે લિંગાયત, કુરૂબાસ, વોક્કાલિગાસ હોય પરંતુ મુસ્લિમ ઉમેદવારને ક્યારેય ટિકિટ આપશે નહીં. આ ઘૃણાસ્પદ નિવેદનમાં ગ્રામ્ય વિકાસ મંત્રી કેએસ ઇશ્વરપ્પાએ કહ્યું કે, અમે હિંદુ સમાજની કોઇપણ વ્યક્તિને ટિકિટ આપી શકીએ, પછી તે લિંગાયત, કુરૂબાસ, વોક્કાલિગાસ અથવા બ્રાહ્મણ કેમ ના હોય પરંતુ ચોક્કસપણે મુસ્લિમ ઉમેદવારને ક્યારેય ટિકિટ આપશે નહીં. મંત્રી આગામી બેલગાવી લોકસભા પેટાચૂંંટણી વિશે વાત કરી રહ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં હિંદુ ઉમેદવારો મેદાનમાં ઉતરે છે અને મતદારો પણ મોટાભાગે હિંદુ સમાજના છે.
અહેવાલો અનુસાર ઇશ્વરપ્પાએ એવું પણ કહ્યું કે, અમે હિંદુત્વના સમર્થકોને ટિકિટ આપીશું અને હું નથી જાણતો કે, અમે સંગોલી, રાયન્ના, કિટ્ટૂર ચેન્નામા(સ્વાતંત્ર્ય સેનાની) અથવા શંકરાચાર્યના અનુયાયી હોય. દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ શુક્રવારે ભાજપની ટોચની નેતાગીરીની દખલગીરી બાદ ઓબીસી હેઠળ આવતા વીરાશૈવા-લિંગાયત સમાજના ઉમેદવારને કેબિનેટમાં સામેલ કરવાનો નિર્ણય પડતો મુક્યો હતો. કેન્દ્રીય નેતાગીરીએ વિવાદ ના થાય તે માટે તેમની ઉંમરનો હવાલો આપ્યો હતો.