(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૨
કર્ણાટક સરકારે રાજ્યના એક આઇએએસ અધિકારી દ્વારા તબ્લીગ જમાતના લોકોના પ્લાઝ્મા ડોનેશન આપવા મુદ્દે તેમની પ્રશંસા કરતા તેમને શો-કોઝ નોટિસ ફટકારી છે. લોકડાઉન દરમિયાન પ્લાઝ્મા ડોનેટ કરનારા તબ્લીગ જમાતના લોકોની પ્રશંસા કરતા આઇએએસ અધિકારી મોહમ્મદ મોહસીને ટિ્વટ કર્યું હતું. આ ટિ્વટ માટે રાજ્ય સરકારે નોટિસ મોકલી પાંચ દિવસમાં જવાબ માગ્યો છે. મૂળ બિહારના નિવાસી મોહમ્મદ મોહસીન હાલ કર્ણાટકમાં પછાત જાતિ કલ્યાણ વિભાગના સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
૨૭મી એપ્રિલે અધિકારી મોહસીને કોરોનાથી સ્વસ્થ થયેલા તબ્લીગી જમાતના લોકો તરફથી અન્ય દર્દીઓને સારવાર માટે પ્લાઝ્મા દાન કરવા મુદ્દે ટિ્વટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે માત્ર દિલ્હીમાં ૩૦૦થી વધુ તબ્લીગી હીરો દેશની સેવા માટે પ્લાઝ્મા દાન કરી રહ્યા છે. પરંતુ ગોદી મીડિયા આ હીરોના માનવતાના કાર્યોને દેખાડશે નહીં. રાજ્યની ભાજપ સરકારે તેમના આ ટિ્વટને ગંભીરતાથી લેતા તેમની વિરૂદ્ધ કારણદર્શક નોટિસ જારી કરી છે. તેમના પર ભારતીય વહીવટી સેવાના નિયમોના ઉલ્લંઘનનો પણ આરોપ લગાવાયો છે. જેના પગલે તેમની પાસેથી લેખિતમાં જવાબ મગાયો છે. નોટિસમાં કહેવાયું છે કે, જો તેઓ પાંચ દિવસમાં જવાબ નહીં આપે તો તેમની વિરૂદ્ધ ભારતીય વહીવટી સેવા(શિષ્ત અને અપીલ) નિયમ ૧૯૬૯ અંતર્ગત કાર્યવાહી કરાશે. આ પહેલા પણ મોહસીનની કનડગત કરવામાં આવી છે કારણ કે, તેમણે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન ઓરિસ્સામાં વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરની તપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમને સસ્પેન્ડ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે અને મોતનો આંકડો પણ ધીમે ધીમે વધી રહ્યો છે.
‘દર વખતે બધાને ખુશ ના રાખી શકું’ : તબ્લીગી જમાત અંગે ટિ્વટ કરનારા IAS અધિકારીની પ્રતિક્રિયા
કોરોનાના અન્ય દર્દીઓને પ્લાઝ્મા ડોનેશન કરનારા તબ્લીગી જમાતના સભ્યોની પ્રશંસા કરનાર ટિ્વટ કરવા બદલ કર્ણટક સરકાર દ્વારા શો-કોઝ નોટિસ મળ્યાના બીજા દિવસે આઇએએસ અધિકારી મોહમ્મદ મોહસીને કાયદા પ્રમાણે મળેલી નોટિસનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ છે કે, મને નોટિસ મળી છે અને કાયદા પ્રમાણે જ હું તેનો ટૂંક સમયમાં જ જવાબ આપીશ. એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલને માત્ર સમાચાર મોકલ્યા હોવાનો દાવો કરતાં મોહસીને જણાવ્યું કે, મને સમજાતું નથી કે આ ટિ્વટ માટે આટલો આક્રોશ કેમ થઇ રહ્યો છે.? તેઓને આમાં શા માટે કાવતરૂં દેખાય છે તેવા સવાલના જવાબમા ંતેમણે જણાવ્યું કે, ‘‘તમે દર વખતે બધાને ખુશ રાખી શકો નહીં’’. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે એપ્રિલમાં ચૂંટણી નિરિક્ષક તરીકે નિમાયેલા મોહસીને ઓરિસ્સામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની ચકાસણી કરવાનો આદેશ આપતાં તેમને ચૂંટણી પંચ દ્વારા સસ્પેન્ડ કરાયા હતા.
Recent Comments