(એજન્સી) નવીદિલ્હી, તા. ૯
કર્ણાટક કટોકટી મુદ્દે સંસદમાં ભારે હોબાળો થયો હતો. સોમવાર બાદ મંગળવારે પણ લોકસભામાંથી કોંગ્રેસે કર્ણાટક મુદ્દે વોકઆઉટ કર્યું હતું. રાજ્યસભામાં પણ કોંગ્રેસ સાંસદોના હોબાળા બાદ બે વાગ્યા સુધી ગૃહની બેઠક સ્થગિત કરવામાં આવી હતી. કોંગ્રેસે સદનમાં આરોપ લગાવ્યો કે, કર્ણાટકમાં ભાજપ તેમના ધારાસભ્યોને તોડવાના પ્રયાસ કરી રહ્યો છે. આ મુદ્દે જવાબ આપતા કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, આમાં ભાજપનો કોઇ હાથ નથી. સોમવારે પણ રાજનાથે કોંગ્રેસના આરોપ પર જવાબ આપતા સીધા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, રાજીનામું આપવાની પરંપરા તો રાહુલ ગાંધીએ જ શરૂ કરી હતી. રાજનાથે આરોપોને ફગાવતા કહ્યું હતું કે, કર્ણાટકમાં જે કંઇપણ થઇ રહ્યું છે તે કોંગ્રેસનો આંતરિક મામલો છે. તેઓ પોતાના ઘરને સંભાળી સકતા નથી અને અહીં લોકસભામાં કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છે. ગૃહમાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, શિકારી રાજનીતિ હંમેશા માટે બંધ થવી જોઇએ. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, સરકારોને અસ્થિર કરવાની ભાજપની આદત છે જે લોકતંત્રની વિરુદ્ધ છે. પ્રજાએ ભાજપને સરકાર બનાવવાનો જનાદેશ આપ્યો નથી અમને લોકોએ વધુ વોટ આપ્યા છે. કોંગ્રેસ અને જેડીએસના ખાતામાં ૫૭ ટકા વોટ પડ્યા છે. એટલું જ નહીં સિદ્ધારમૈયાએ કહ્યું કે, આ વખતે રાજ્યમાં સરકારને અસ્થિર કરવામાં રાજ્ય યુનિટ જ નહીં પરંતુ અમિત શાહ અને નરેન્દ્ર મોદી પણ જોડાયા છે. આ તમામ બાબતો વચ્ચે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો હતો અને લાંબા સમયથી અસંતુષ્ટ દેખાઈ રહેલા ધારાસભ્ય રોશન બેગે પણ રાજીનામુ આપી દીધું હતું. આની સાથે જ કોંગ્રેસ-જેડીએસમાં રાજીનામુ આપનાર વિધાયકોની સંખ્યા ૧૪ થઇ ગઈ છે અને અન્ય અપક્ષ સાંસદો સાથે ૧૬ ધારાસભ્યોએ સરકારથી સમર્થન પરત ખેંચી લીધું છે.

કર્ણાટક કટોકટી વચ્ચે કોંગીના ૨૧ સભ્યો બેઠકમા ગેરહાજર

કર્ણાટક કટોકટી દિન પ્રતિદિન વધુને વધુ ઘેરી બની રહી છે. કટોકટી વચ્ચે આજે હોબાળો જારી રહ્યો હતો. બેંગલોરમાં કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ૨૧ ધારાસભ્યો ગેરહાજર રહેતા કોંગ્રેસની તકલીફ વધી ગઇ છે. કર્ણાટકના મામલે રાજ્યસભામાં પણ ભારે હોબાળો થયો હતો. જેના લીધે રાજ્યસભાની કામગીરી મોકુફ કરવાની ફરજ પડી હતી. કર્ણાટકમાં રાજકીય કટોકટી વચ્ચે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ બીકે હરિપ્રસાદે સ્થગન પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કર્ણાટકની રાજનીતિ હાલમાં ગંભીર બની ગઈ છે. કર્ણાટકમાં અસંતુષ્ટ ધારાસભ્યોએ ગોવા જવાની યોજના બદલી નાંખી છે. હવે આ તમામ સભ્યો મુંબઇમાં જ રોકાવાના છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ એકબીજા સામે આંકરા પ્રહારો કર્યા હતા. કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર કોઇ પણ સમય ધરાશાયી થઇ શકે છે. કારણ કે આ ગઠબંધન સરકારના મોટી સંખ્યામાં સભ્યો અસંતુષ્ટ દેખાઇ રહ્યા છે. ગઠબંધનના ૧૪ સભ્યો પહેલાથી જ રાજીનામુ આપી ચુક્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોની મિટિંગ મંગળવારે બેંગ્લોરમાં યોજાઈ હતી. કોંગ્રેસના નેતા એમટીબી નાગરાજની તબિયત ખરાબ થવાના કારણે તેઓ બેઠકમાં હાજરી આપી શક્યા ન હતા. આ સિવાય કોંગ્રેસના ૭૮માંથી ૨૦ ધારાસભ્યો બેઠકમાં ઉપસ્થિત રહ્યા ન હતા. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભાજપ પર ધારાસભ્યોને પૈસા અને મંત્રીપદ આપવાની લાલચ આપવાનો આક્ષેપ કર્યો છે.
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સરકારને ઉથલાવવાનો પ્રયાસ કરવાનો સીધો આક્ષેપ કર્યો હતો.