(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
કર્ણાટકમાંથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન અંગે કોઇ મુશ્કેલી નહીં હોવાના સંકેત આપી કહ્યું હતું કે, તેઓ રાજ્યમાં સરળતાથી સરકાર ચલાવશે. તેમને પૂછવામાં આવ્યું હતું કે ફક્ત સાત ધારાસભ્યો વધુ હોવાને કારણે સરકાર ચલાવવામાં મુશ્કેલી નહીં આવે ત્યારે તેમણે કહ્યું હતું કે, અમારી પાસે ભાજપ કરતા ૧૪ સભ્યો વધારે છે. કેરળમાં તો બહુમતી કરતા ફક્ત એક જ સભ્ય વધુ હતો. જ્યારે કોંગ્રેસે ત્યાં પાંચ વર્ષ પુરા કર્યા હતા. કેન્દ્રની વાત કરીએ તો નરસિમ્હા રાવ સરકાર દરમિયાન જાદુઇ આંકડાથી ફક્ત ત્રણ સાંસદો વધુ હતા તેમ છતાં અમે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. આજે કેટલા ધારાસભ્યો છે તે પ્રશ્ન નથી વાત પ્રતિબદ્ધતાની છે અને અમે લોકશાહી પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. તેમને પૂછાયું કે તમારા પક્ષ કરતા જેના અડધી બેઠકો છે તે પક્ષના મુખ્યમંત્રી હશે તો ચિંતાનો વિષય છે કે કેમ ત્યારે ખડગેએ જવાબ આપ્યો કે, બંને પાર્ટીઓ પાસે તેમને દોરવણી માટે વરિષ્ઠ હાઇકમાન્ડ છે. આ સરકારને અમલમાં લાવવા માટે અમારા હાઇકમાન્ડે જ ભૂમિકા ભજવી છે. અમારો ધ્યેય લોકોના રસ અને લોકશાહીને સુરક્ષિત રાખવાનો છે. કોંગ્રેસ અને જેડીએસની જૂની દુશ્મની વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આ મુુશ્કેલી નડી શકે પરંતુ અમે આ વખતે કોમવાદી તત્ત્વોને દૂર રાખવા માટે તમામ ધર્મનિરપેક્ષ પક્ષોને સાથે લાવવા આહ્‌વાન કર્યું છે. ખાસ કરીને લોકશાહી તથા બંધારણ બચાવવાનો અમારો હેતુ છે. અમારો મુખ્ય ધ્યેય ભાજપ અને આરએસએસને સત્તાથી દૂર રાખવાનો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કોેંગ્રેસ અને જેડીએસ દ્વારા બહાર પડાયેલા ચૂંટણી ઢંઢેરાને પૂરા કરવા માટેના કાર્યક્રમો બનાવવામાં આવશે.