પાલનપુર, તા. ૧૮
પાલનપુર ખાતે ગુરૂવારે વડગામ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં વડગામ અને પાલનપુરના પત્રકારોએ વિવિધ પ્રશ્નોથી તેમને અવગત કર્યા હતા. આ અંગે પાલનપુરમાંથી ગાયબ થઇ ગયેલી લડબી નદી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ધારાસભ્યએ જણાવ્યું હતુ કે, લડબી નદીના વહેણ તેમજ તેના પટમાં થયેલા દબાણો અંગે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને જિલ્લા કલેકટર સંદિપ સાગલેએ તપાસના આદેશ આપ્યા છે. ત્યારે તપાસ કઇ દિશામાં થઇ રહી છે. કેટલે પહોચી તે અંગે જિલ્લાની સંકલન સમિતિમાં અવાજ ઉઠાવવામાં આવશે. તેમણે શિક્ષણના ખાનગીકરણ અને ઉંચી ફીના મુદ્દે જો વાલીઓ અને પ્રજાજનો સાથ આપે તો જન આંદોલન શરૂ કરવાની પણ તૈયારી બતાવી હતી.
દેશમાં કર્નાટકના પરિણામો બાદની ઉભી થયેલ રાજકીય ઉથલ-પાથલ બાદ ભાજપને ગવર્નર વજુભાઈ વાળાએ ભાજપને સરકાર બનાવવાની મોટા પક્ષ તરીકે પ્રથમ તક આપી હતી. જોકે નિયત મુદતમાં ભાજપ વિધાનસભામાં પોતાની બહુમતી સામ, દામ દંડ ભેદ નીતિએ કરશે તેવી ભવિષ્યવાણી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કરી છે. એટલુજ નહિ પીએમ મોદી પર પણ નિશાન તાકતા તેમણે જણાવ્યું હતું કે કરોડો -અબજો રૂપિયા બહુમત માટે ભાજપ પાણી ની જેમ રેલાવશે પણ તેમ છતાં ૨૦૧૯ ની લોકસભા ચુંટણી માં ભાજપ ની કારમી હાર થશે તેવો પણ તેમને દાવો કર્યો હતો. તો વળી, રાજસ્થાન માં વસુધારા રાજે જીગ્નેશ મેવાની નો કેમ ભય અનુભવે છે તેમ કહી જાહેર કર્યું હતું કે રાજસ્થાન વિધાનસભા ચુટણી માં ભાજપ સત્તા ગુમાવે છે.