કર્ણાટકના કલબુર્ગીમાં રથ મહોત્સવના કાર્યક્રમમાં ગુરૂવારે હજારો લોકો જોડાયા હતા અને દેશમાં કોરોના વાયરસને પગલે લાગુ કરાયેલા લોકડાઉનનું ઉલ્લંઘન કર્યું હતું. કલબુર્ગીને કોરોનાનું હોટસ્પોટ ગણાવાયું છે અને ભારતમાં કોરોનાથી પ્રથમ મોત પણ કલબુર્ગીમાં જ થયું હતું. સમાચાર એજન્સીના પત્રકારે એક વીડિયો વાયરલ કર્યો હતો જેમાં કહ્યું હતું કે, શ્રદ્ધાળુઓએ લોકડાઉનના ભંગ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો પણ ભંગ કર્યો છે. પાંચ માળના ઊંચા રથને અનેક લોકો મળીને ખેંચી રહ્યા હતા અને તેની સાથે સેંકડો લોકો ચાલી રહ્યા હતા. પ્રાથમિક અહેવાલ અનુસાર આ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોવાની નોંધ પોલીસ કે જિલ્લા વહીવટી તંત્રે લીધી ન હતી. જ્યારે વીડિયો વાયરલ થયો ત્યારબાદ પોલીસે આખરે મંદિર ટ્રસ્ટ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવી પડી હતી. અહેવાલો અનુસાર ડેપ્યુટી કમિશનરે આશ્વાસન આપ્યું છે કે, આ અંગે યોગ્ય પગલાં લેવાશે. આ અંગેની કોઇ પરવાનગી અપાઇ ન હતી. સ્થાનિક તહેસીલદારે કહ્યું કે, સિદ્ધાલિંગેશ્વર ટ્રસ્ટ મેનેજમેન્ટ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા સ્થાનિક પોલીસને કહેવાયું છે અને સાથે જ રથ ખેચનારા શ્રદ્ધાળુઓ સામે પણ ફરિયાદ દાખલ કરાશે. દરમિયાન ચિતાપુર તાલુકાના ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પોલીસ સબ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા હતા.