(એજન્સી) નવી દિલ્હી,તા.૧૭
લોકડાઉનના આદેશોનો ભંગ કરતા ગુરૂવારે કર્ણાટકના કલબુર્ગી વિસ્તારના ચિતાપુર ગામમાં સિદ્ધાલિંગેશ્વર મંદિરના કાર્યક્રમમાં સેંકડો લોકો ઊમટી પડ્યા હતા. આ ગામ અહીંના વાડી વિસ્તારથી માત્ર ચાર કિલોમીટર દૂર છે જેને કોરોના વાયરસનું હોટસ્પોટ ગણાવીને સીલ કરી દેવાયું છે. અહેવાલો અનુસાર આ કાર્યક્રમ એવા સમયે યોજાયું જ્યારે મંદિર સત્તાવાળાઓએ પોલીસને આશ્વાસન આપ્યું હતું કે, આવો કોઇ કાર્યક્રમ યોજાશે નહીં. કાર્યક્રમના આયોજકો સામે સાંજે ચાર વાગ્યા પહેલા ફરિયાદ દાખલ થઇ ન હતી અને ધાર્મિક મેળાવડા સંબંધિત વધુ વિગતો મેળવવાની તપાસ ચાલી રહી છે. દરમિયાન અહીંના સબ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે. સમાચાર એજન્સીએ જણાવ્યું કે, આ ફરિયાદ ત્યારે દાખલ કરવામાં આવી જ્યારે કાર્યક્રમના વીડિયો અંગે સત્તાવાળાો સામે સવાલ કરતા સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં સૌપ્રથમ કોરોના વાયરસથી કલબુર્ગીમાં મોત થયું હતું અને હાલમાં આ જિલ્લામાં ૧૮ એક્ટિવ કેસો છે. ગુરૂવારે કર્ણાટકમાં વધુ ૩૬ કોરોના વાયરસના કેસો આવ્યા હતા જેથી સંખ્યા વધીને કુલ ૩૧૫ થઇ હતી. મદુરાઇના અલંગાનુલ્લુર ગામમાં આવેલા જલિકટ્ટુ જેવા મંદિરના આંખલાએ ૧૨ એપ્રિલે છેલ્લા શ્વાસ લીધા હતા. ઓછામાં ઓછા ૧૦ સગાઓ સિવાય નાના કાર્યક્રમ દ્વારા અંતિમ ક્રિયા કરવાનો રાજ્ય સરકારનો આદેશ હોવા છતાં ગામલોકોએ આદેશોનું ઉલ્લંઘન કર્યું હતું અને મોટી સંખ્યામાં અંતિમ યાત્રા કાઢી હતી.અલંગાનુલ્લુર સહિતના પાલામેડુ અને અવાનિયાપુરમ જેવા ગામોમાં બળદોને ઘણા ઊંચા પ્રમાણમાં જમીનના ગૌરવ તરીકે જોવાય છે. મદુરાઇના જિલ્લા કલેક્ટર ટીજી વિનયે કહ્યું કે, આ અંતિમ યાત્રામાં ૩,૦૦૦ લોકો જોડાયા હતા અને તેમની સામે ધારા ૧૪૪ના ભંગની ફરિયાદ દાખલ કરાઇ છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગની ફરિયાદ પણ દાખલ કરી છે. મદુરાઇમાં ૧૫ એપ્રિલ સુધી ૪૧ કોરોના વાયરસના પોઝિટિવ કેસો હતા. તમિલનાડુમાં ૧૫ એપ્રિલ સુધી કોરોનાના કુલ ૧૨૪૨ કેસો હતા અને ૧૨ લોકોનાં મોત થયા હતા.