(એજન્સી) બેંગલુરૂ, તા.૯
કર્ણાટકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રોશન બેગના રાજીનામા સાથે રાજ્યમાં શાસક ગઠબંધનના રાજીનામા આપનારા ધારાસભ્યોની સંખ્યા વધીને ૧૬ થઇ ગઇ છે. રોશન બેગના રાજીનામાને પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણવાનું કોંગ્રેસ દ્વારા કહી દેવામાં આવ્યું છે. રાજ્યની વર્તમાન રાજકીય કટોકટી માટે કોંગ્રેસે ભાજપને જવાબદાર ગણાવીને ભાજપ સામે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે તેના બળવાખોર ધારાસભ્યોને પરત આવી જાવ નહિંતર પરિણામ ભોગવવાની ધમકી પણ આપી દીધી છે પરંતુ બળવાખોરો પોતાના નિર્ણય પર અડગ હોવાનું લાગી રહ્યું છે. છેવટે કોંગ્રેસે રાજ્ય વિધાનસભાના સ્પીકરને બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા અને છ વર્ષ સુધી તેમના ચૂંટણી લડવા સામે પ્રતિબંધ લાદવાની ગૃહના સ્પીકરને અરજ કરી છે. શાસક ગઠબંધને બે અપક્ષ ધારાસભ્યોનો ટેકો પણ ગુમાવી દીધો છે અને હવે જો ગૃહના સ્પીકર બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લે તો સરકાર ભાંગી પડશે. જ્યારે બીજીબાજુ કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રેમશ કુમારે ભાજપના ધારાસભ્યોને મળવાનો ઇનકાર કરી દીધો છે. કર્ણાટકમાં સર્જાયેલી રાજકીય કટોકટી વચ્ચે વિધાનસભાના સ્પીકર કર્ણાટકનું ભાવિ નક્કી કરશે. જો ગૃહના સ્પીકર ૧૩ બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લે તો ગઠબંધન સરકાર લઘુમતીમાં આવી જશે અને સરકારનું પતન થશે. સરકાર બચાવવાના છેલ્લી ઘડીના પ્રયાસરૂપે અને મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીને ફ્રી હેન્ડ આપવા માટે સોમવારે બધા જ પ્રધાનોએ કેબિનેટમાંથી રાજીનામા આપી દીધા હતા.