(એજન્સી) ચીકમગલુર,તા.૨૯
કર્ણાટક વિધાન પરિષદમાં ૧૫ દિવસો પહેલા મારામારી, તોફાન અને હોબાળો છવાયેલ રહ્યો હતો જે દરમિયાન ડેપ્યુટી સ્પીકર ધર્મે ગોવડાને ધક્કે ચડાવવામાં આવ્યા હતા અને ખુરસી પરથી ખેંચીને ઉતાર્યા હતા. એના પછી ડેપ્યુટી સ્પીકર ધર્મે ગોવડાનો મૃતદેહ મંગળવારે સવારે ચીકમગલુર જિલ્લાના કુદુર પાસે રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. ગોવડા જનતા દળ (એસ)ના સભ્ય હતા. રેલવે પોલીસે પોતાની પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે આ ઘટના આત્મહત્યાની જણાય છે. પોલીસને નોંધ મળી છે પણ એની વિગતો પોલીસે આપી નથી. એમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શિમોગાની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ગોવડા પોતાના સખારાયાપટના શહેર પાસે આવેલ ફાર્મહાઉસમાંથી સોમવારે સાંજે ડ્રાયવર ધર્મરાજા સાથે નીકળ્યા હતા. ધર્મરાજાએ કહ્યું કે ૬-૧૫ કલાકે જ્યારે કાર ગુનાસાગર પાસે પહોંચી ત્યારે ગોવડાએ કાર થોભાવી હતી. એ પછી તેઓ ઉતરી ગયા હતા અને કહ્યું કે તું અહી રાહ જોજે હું આવું છું. એ પછી કલાકો સુધી એ પાછા નહિ ફરતા ડ્રાયવરે ગોવડાના અંગત સ્ટાફને ફોન કરી બોલાવ્યું હતું અને સમગ્ર માહિતી આપી હતી. એમનો ફોન પણ બંધ હતો. જેડીએસ અધ્યક્ષ એચ.ડી. દેવગોવડાએ કહ્યું કે ધર્મે ગોવડાના મૃત્યુથી અમને આઘાત લાગ્યો છે. તેઓ શાંત અને ઉત્તમ વ્યક્તિ હતા. અમારા રાજ્ય માટે આ મોટું નુકસાન છે. એમના કુટુંબીજનોને ભગવાન શક્તિ અને સામર્થ્ય આપે. જેડીએસ નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી એચ. ડી. કુમાર સ્વામીએ પણ દુઃખ વ્યક્ત કરી પરિવારને સાંત્વના પાઠવી હતી.
Recent Comments