(એજન્સી) બેંગ્લુરૂ, તા.૨૮
બહારગામ કે શહેરો તરફથી આવનારા લોકોને કોરોના વાયરસ ન ફેલાય તે હેતુસર કર્ણાટકના હસ્સાન જિલ્લાના અનેક ગામડાઓને ખુદને આઈસોલેટ કરી દીધા છે. એનો અર્થ એવો થયો કે, ગામડાના લોકો હવે સાવચેત થઈ ગયા છે ને તેમણે ગામડાની સરહદો બંધ કરી દીધી છે. આ લોકો હવે શહેરથી આવનારા લોકોને પણ ગામડામાં પ્રવેશવા દેતા નથી.
જિલ્લાના ડઝનેકથી વધુ ગામડા એવા છે જેઓએ તમામ પ્રકારના શહેરો સાથેના લિંક બંધ કરી દીધા છે એટલે કે, ગામડાના રસ્તાઓ હવે બંધ કરી દેવાયા છે. આ પગલું એવા સમયે ભરાયું છે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ચાનારાયણપટના તાલુકાના હૂવીનહલ્લીના સ્થાનિકોએ કેટલાક લોકોની ટીમ બનાવી દીધી છે જેમાં ગામડાના લોકો પણ સામેલ છે. આ લોકો સતત ૨૪ કલાક વારાફરતી જુદી-જુદી શિફ્ટમાં ગામડાની સરહદોની સુરક્ષા કરે છે અને કોઈપણ કામ વિના આવવા-જવા દેતા નથી તેઓ ગામડામાં બહારના લોકોને પણ પ્રવેશવા દેતા નથી. ગામડાના લોકોએ સરહદો પર જ બેનર મૂકી દીધા છે કે, ૧૪ એપ્રિલ સુધી કોઈપણ બહારથી આવનારી વ્યક્તિને ગામમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. ભલે પછી તે વ્યક્તિ ગામડાની જ કેમ ના હોય ? જો તે શહેરમાં રહેતી હશે તો પણ તેને ગામડામાં પ્રવેશવા દેવામાં નહીં આવે. તેમણે લખ્યું છે કે, જો સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ દ્વારા તેમને લીલીઝંડી આપવામાં આવી હશે તો જ તેઓ ગામમાં પ્રવેશી શકશે. આ જ રીતે અમ્માનહાતી ગામમાં પણ સ્થિતિ જોવા મળી રહી છે. ત્યાં પણ સાડીના છેડા બાંધીને સરહદોને બાંધી દેવામાં આવી છે. ત્યાં પણ આગામી ૧૪ એપ્રિલ સુધી કોઇપણ બહારના રહેવાશીને અહીં અવર-જવર કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. અહીં પણ કેટલાક લોકોની ટીમ સમયાંતરે સુરક્ષા ફરજ બજાવે છે. જ્યારે શહેરોની હાલત તો એકદમ સૂમસામ થઈ ચૂકી છે. અર્થતંત્રને પણ સારી એવી માર પડી છે.