(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૪
કર્ણાટક રાજ્યમાં એપ્રિલ-મે દરમિયાન વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. એમાં યેદિયુરપ્પા ભાજપ તરફથી મુખ્યમંત્રી માટે પસંદગી પામ્યા છે. ઘણા બધા લોકો માને છે કે, લિંગાયત કોમના લીધે અને યેદિયુરપ્પા ભ્રષ્ટાચારના આક્ષેપોમાંથી મુક્ત થયા છે. એને ધ્યાનમાં રાખી ભાજપે એમની ઉપર પસંદગી ઉતારી છે. પણ હાલમાં દેખાઈ રહેલ બાબતો મુજબ લિંગાયત મુદ્દો રાજ્ય અને યેદિયુરપ્પાની કેમ્પમાં પડકારજનક મુદ્દો બની રહેશે. વધુમાં યેદિયુરપ્પાએ વચન આપ્યું હતું કે, એ ર૦૧૭ સુધીમાં ગોવા અને કર્ણાટક વચ્ચે મહાદથી નદીના પાણીનો પ્રશ્ન પણ ઉકેલશે જે એમણે ઉકેલ્યું નથી જેથી ઉત્તર કર્ણાટકના લોકો નારાજ છે. કર્ણાટકમાં લિંગાયત કોમના મતો ૧૦ ટકા છે. આ કોમની કેટલાક સમયથી માગણી છે કે, એમની કોમને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવામાં આવે જે હિન્દુઓથી અલગ ઓળખ ધરાવતો હોય પણ યેદિયુરપ્પા અને ભાજપ આ મુદ્દે ચૂપ છે. જો કે હાલમાં જ સિદ્ધરમૈયાએ લિંગાયતોની આ માગણી પ્રત્યે ધ્યાન આપી કમિટીની રચના કરી છે. જો લિંગાયતોની તરફેણમાં રિપોર્ટ આવશે તો લિંગાયત મતો કોંગ્રેસ તરફ વળશે જેનો લાભ સિદ્ધરમૈયાને મળશે અને યેદિયુરપ્પા લિંગાયતોના મતો ગુમાવશે. ર૦૦૮માં કર્ણાટકમાં ભાજપની સરકાર હતી પણ લોકાયુકતના રિપોર્ટના આધારે ર૦૧૧માં યેદિયુરપ્પાને રાજીનામું આપવાની ફરજ પડી હતી. લોકાયુકતે ખાણોમાં મોટું ભ્રષ્ટાચાર થયું હોવાના અહેવાલો આપ્યા હતા જેથી દેશની તિજોરીને ૧૬૦૮પ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ભ્રષ્ટાચારના આક્ષેપો યેદિયુરપ્પા અને એમના કુટુંબ સામે મૂકાયા હતા. પણ ર૦૧૬ના વર્ષમાં આધારભૂત પુરાવાઓ નહીં મળવાથી યેદિયુરપ્પા અને એમના કટુંબીજનોને ક્લિનચીટ આપી હતી. જેના લીધે જ ભાજપે ફરીથી એમના નામની પસંદગી કરી છે. હાલના એક સર્વેમાં જણાવાયું છે કે, કર્ણાટકના ૪ર ટકા મતદારો મુખ્યમંત્રીના નામ ઉપર મતો આપે છે. ભાજપે સિદ્ધરમૈયા અને એચડી કુમાર સ્વામી (જેડી-(એસ)) સામે યેદિયુરપ્પાને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો છે. યેદિયુરપ્પાએ ઉપરોકત મુદ્દાઓ ઉકેલવા જ પડશે જેથી એ મુખ્યમંત્રીનું યુદ્ધ જીતી શકે.