અલ્હાબાદ હાઇકોર્ટે ૩૧, ઓક્ટો. પોતાના આદેશમાં જણાવ્યું હતું કે માત્રને માત્ર લગ્ન કાજે કરવામાં આવતું ધર્માંતરણ એ કાયદેસર નથી

(એજન્સી) તા.૪
કર્ણાટકના પ્રવાસન પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સી પી રવિએ જણાવ્યું છે કે કર્ણાટક લગ્નના નામે થતાં ધર્માંતરણ પર રોક લગાવવા કાયદો ઘડશે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે જેહાદીઓ રાજ્યમાં મહિલાઓની ઇજ્જત આબરુ સાથે ચેડાં કરી રહ્યાં હોય ત્યારે સરકાર ચૂપ બેસી રહેશે નહીં.
તેમનું નિવેદન અલ્હાબાદ હાઇકોર્ટના એ ચુકાદાના થોડા દિવસ બાદ આવ્યું છે કે જેમાં એવું ઠરાવાયું છે કે લગ્ન માટે ધર્માંતરણ કરવું ગેરકાયદેસર છે. આ અગાઉ ભાજપ શાસિત રાજ્યો ઉ.પ્ર., હરિયાણા અને મ.પ્ર. પણ લવજેહાદ વિરુદ્ધ કાનૂની જોગવાઇ લાવવાનો પોતાનો ઇરાદો વ્યક્ત કરી ચૂક્યા છે. રવિએ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે અલ્હાબાદ હાઇકોર્ટના આદેશની પેટર્ન પર કર્ણાટક લગ્નના નામે ધર્માંતરણ કરવા પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો ઘડશે અને લાગુ કરશે. તેમણે જણાવ્યું હતું કે ધર્માંતરણના કૃત્યમાં સંડોવાયેલ કોઇ પણ વ્યક્તિ સામે કડક અને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે આપણી બહેનોની ઇજ્જત આબરુ સાથે જેહાદીઓ ચેડાં કરી રહ્યાં હોય ત્યારે અમે શાંત બેસી રહી શકીએ નહીં એવું રવિએ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઇકોર્ટે ૩૧ ઓક્ટો.ના રોજ પોતાના આદેશમાં એવું જણાવ્યું હતું કે માત્ર લગ્ન માટે ધર્માંતરણ એ કાયદેસર ગણી શકાય નહીં. અદાલતે ઉ.પ્ર.માં નવવિવાહિત યુગલ દ્વારા દાખલ કરવામાં આવેલ પિટિશનને ફગાવી દેતાં આવો ચુકાદો આપ્યો હતો. આ યુગલે હાઇકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે હાઇકોર્ટ પોલીસ અને મહિલાના પિતાને એવો આદેશ કરે કે તેમના લગ્નજીવન સામે ખતરો ઊભો ન થાય.