(એજન્સી) બેંગ્લુરૂ, તા.ર૦
કર્ણાટકમાં ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા સામે વિરોધનો વંટોળ ફૂંકાયો છે. ભાજપના જ એક ધારાસભ્યએ યેદિયુરપ્પા સામે મોરચો માંડ્યો છે. ભાજપના ધારાસભ્યએ જણાવ્યું હતું કે, પાર્ટી મોવડીમંડળ યેદિયુરપ્પાથી નારાજ છે તેઓને ટૂંક સમયમાં મુખ્યમંત્રી પદેથી રૂખ્સત કરવામાં આવશે. ભાજપના ધારાસભ્ય બાસનગૌડા યતનાલના આ ખુલાસાથી રાજકીય અટકળો તેજ બની છે. યતનાલે એેમ પણ જણાવ્યું હતું કે, કર્ણાટકના આગામી મુખ્યમંત્રી ઉત્તર કર્ણાટકમાંથી હશે. પોતાના નિવેદનમાં ભાજપના ધારાસભ્યએ જણાવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં કર્ણાટકને નવા મુખ્યમંત્રી મળશે. કેમ કે, રાજ્યના મોટાભાગના નેતા યેદિયુરપ્પાથી નારાજ છે. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું છે કે, મુખ્યમંત્રી ઉત્તર કર્ણાટકમાંથી હશે. યેદિયુરપ્પા અમારા કારણે મુખ્યમંત્રી બન્યા હતા. ઉત્તર કર્ણાટકના લોકોએ ૧૦૦ ધારાસભ્ય આપ્યા, જેથી તેઓ મુખ્યમંત્રી બન્યા. યેદિયુરપ્પાની ટીકા કરતાં યતનાલે જણાવ્યું હતું કે, તેઓ પોતાના વિધાનસભા વિસ્તાર શિવમોગા સુધી મર્યાદિત રહી ગયા છે અને તેમણે ઉત્તર કર્ણાટક માટે કંઈ જ નથી કર્યું. ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે, રાજ્યના ઉત્તર જિલ્લાઓમાં આવેલા પૂર વખતે પણ મુખ્યમંત્રીએ યોગ્ય રીતે કામ ન હતું કર્યું. યતનાલે એક સભા વખતે જાહેરમાં આ નિવેદન આપ્યું હતું. આ અગાઉ પણ કર્ણાટક ભાજપમાં અસંતોષના સ્વર સાંભળવા મળ્યા હતા. અલબત્ત કર્ણાટક ભાજપના પ્રવક્તા ગણેશ કાર્નિકે દાવો કર્યો હતો કે, યતનાલ એક વરિષ્ઠ નેતા છે પણ તેઓ હંમેશા આ પ્રકારના નિવેદનો આપે છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ યતનાલના આ દાવાને નકારી કાઢ્યો હતો. દરમ્યાન વિરોધપક્ષના નેતા અને વરિષ્ઠ કોંગ્રેસી સભ્ય સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, ભાજપના કેટલાક નેતાઓ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદેથી હટાવવા યોજના ઘડી રહ્યા છે.