(એજન્સી)   બેંગલુરૂ, તા.ર૮

કર્ણાટક સરકારે રાજ્ય બોર્ડની શાળાઓનો અભ્યાસક્રમ ઓછો કર્યો છે. આ અભ્યાસક્રમને ૧ર૦ વર્કિંગ ડે પ્રમાણે તૈયાર કરવામાં આવ્યો છે. ૩૦ ટકા ઘટાડો કરી તૈયાર કરવામાં આવેલા આ અભ્યાસક્રમમાંથી ટીપુ સુલ્તાન અને હૈદરઅલીના પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે.  આગામી સોમવારે કર્ણાટક ટેક્સ્ટ બુક સોસાયટીની વેબસાઈટ પર આ નવો અભ્યાસક્રમ અપલોડ કરવામાં આવશે. હવે અભ્યાસક્રમમાંથી ટીપુ સુલ્તાનના પ્રકરણને હટાવવા મુદ્દે વિવાદ ઊભો થયો છે. બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે આ અભ્યાસક્રમમાં મહત્ત્વપૂર્ણ મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભાજપે પહેલા જ આ જાહેરાત કરી હતી કે અભ્યાસક્રમમાંથી ટીપુ સુલ્તાનના પ્રકરણને દૂર કરવામાં આવશે. નોંધનીય છે કે ધો.૭ના પાઠ્યપુસ્તકમાં હૈદરઅલી અને ટીપુ સુલ્તાનના પ્રકરણો સામેલ હતા પરંતુ હવે બંને પ્રકરણો હટાવી લેવામાં આવ્યા છે. આ અંગે કેટીબીએસના નિર્દેશક મેડ ગૌડાએ કહ્યું હતું કે વિષય નિષ્ણાંતોએ આ અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો છે. અમે નિષ્ણાંતોના કામમાં દખલગીરી કરી શકતા નથી. અમે તેમને કોઈપણ પ્રકારનું સૂચન પણ આપી શકતા નથી.