(એજન્સી) મેંગ્લોર, તા.૧૧
કર્ણાટકમાં ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે, એવામાં એવા ઘણાં હિન્દુ ઘરો છે જ્યાં બેનરો મૂકી લખાયું છે કે અહીં કોંગ્રેસે મત માંગવા આવવું નહીં પણ મેંગ્લોરમાં એવું ઘર છે જ્યાં બેનર મૂકાયો છે કે અહીં ભાજપના ઉમેદવારે મત માંગવા આવવું નહીં. પણ આ ઘર મુસ્લિમનું નથી એક ગૌડ સારસ્વત બ્રાહ્મણનો છે. જેમના ઘરે આ પ્રકારનું બેનર મૂકાયું છે. બ્રાહ્મણો મોટે ભાગે ભાજપને મત આપતા રહે છે.
આ ઘરમાં બલિગા કુટુંબ રહે છે. કુટુંબના મોભી ભાજપ કાર્યકર્તાની ઘાતકી હત્યા કરાઈ હતી. જે હત્યા અન્ય કોઈએ નહીં પણ એમના પક્ષના કાર્યકર્તાઓ દ્વારા જ કરાઈ હતી. આ ઘટના પછી ઘરના કુટુંબીજનોએ નિર્ધારિત કર્યું હતું કે, ભાજપને ક્યારે મત આપવો નહીં.
પ૧ વર્ષીય વિનાયક બલિગા ભાજપના કાર્યકર્તા હતા અને એ સાથે આરટીઆઈ ચળવળકારી હતા. એમની ચાર બહેનોમાંથી એક બહેન અનુરાધાએ જણાવ્યું કે મારા ભાઈની હત્યા પછી અમારી મદદે કોઈ પણ આવ્યું ન હતું. ભાજપા તરફથી પણ કોઈ અમે સાંત્વના આપવા પણ આવ્યું ન હતું. મારા ભાઈએ પક્ષ માટે જીવન સમર્પણ કર્યું. બદલામાં એમને શું મળ્યું. અમે પહેલાં ન્યાય માટે લડવા ઈચ્છતા ન હતા પણ અમને દલિતો અને ડાબેરી પક્ષના કાર્યકર્તાઓએ પ્રોત્સાહન આપ્યું જેથી અમે ન્યાય માટે લડી રહ્યા છીએ.
અનુરાધાએ જણાવ્યું કે, વિનાયકની હત્યા બદલ સાત વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી પણ મુખ્ય આરોપીને જામીન આપવામાં આવેલ છે. હજી ટ્રાયલ શરૂ થઈ નથી.
અનુરાધાએ પોતાના ઘરની બહાર જે બેનર મૂક્યું છે એમાં લખ્યું છે. આ ઘરમાં વિનાયક બલિગા અને એમના સમર્થકોને પ્રવેશ કરવાનો અધિકાર છેપણ એમની હત્યા કરનારાઓ અને હત્યારાઓને સમર્થન કરનારાઓને અહીં આવવું નહીં. વિનાયક બલિગાની હત્યા ર૧મી માર્ચ ર૦૧૬ના રોજ કરાઈ હતી.
અનુરાધાએ કહ્યું કે, મારા ભાઈની હત્યાનો જેમની ઉપર આક્ષેપો છે એ હાલમાં ચૂંટણીમાં ઉમેદવારી કરી રહ્યા છે. ભાજપાના અધ્યક્ષ અમિત શાહ પણ મુખ્ય આરોપી વેદવ્યાસ કામથની તરફેણમાં પ્રચાર કરવા આવ્યા હતા.
ભાજપા ગુનેગારોને સમર્થન કરી રહી છે અને જે લોકો ગુનેગારોને સમર્થન આપશે તો પછી ભાજપ જે રામરાજ્યની વાતો કરે છે એ રામરાજ્ય કઈ રીતે આપશે.