(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૫
કર્ણાટક હાઇકોર્ટે રીટ અરજી રદ્દ કરી જેમાં નિર્દેશો આપવા માંગણી કરવામાં આવી હતી કે કર્ણાટક હિંદુ રીલીજીયસ ઇન્સ્ટીટયુશન એન્ડ ચેરિટેબલ એન્ડોવ્મેન્ટ એક્ટ હેઠળ રચાયેલ કચેરીઓમાં બિન હિદુઓને કાર્ય કરવા માટે પરવાનગી નહિ આપવામાં આવે. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એ.કે. ઓકાએ જણાવ્યું કે હિંદુ ધર્મ ક્યારે પણ આટલો બધો સંકીર્ણ ન હતો. હિંદુ ધર્મમાં એવી વ્યક્તિઓને કોઈ મહત્ત્વ આપવામાં નથી આવ્યું જેઓ આવા સંકીર્ણ વિચારો ધરાવતા હોય. અરજદારે આ કાયદાની કલમ ૭નો હવાલો આપી જણાવ્યું કે આ કલમમાં સ્પષ્ટ જણાવેલ છે કે બિનહિંદુઓને કમિશનરની કચેરીમાં ફરજો નહીં બજાવવી. એક અરજદાર એ.પી.મૃથેશે આમંત્રણ પત્રિકામાં એ.બી. ઈબ્રાહીમનું નામ જોઈ વાંધો ઉઠાવ્યો હતો. જેઓ નાયબ કમિશનર તરીકે ફરજો બજાવતા હતા. એમને મહાલીન્ગેસ્વારા મંદિરમાં યોજાયેલ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. બીજી અરજી અરજદાર ભારત પુનારૂત્થાના ટ્રસ્ટ દ્વારા દાખલ કરાઈ હતી જેમણે અધીક્ષક તરીકે મોહમ્મદ દેશવ અલીખાનની નિમણૂંક સામે વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે મૌખિક રીતે કહ્યું કે, જો નાયબ કમિશનર મંદિરની વ્યવસ્થાનો અભ્યાસ કરવા પ્રવેશ કરશે તો એમાં કયું આસમાન તૂટી પડવાનું છે. હિંદુ ધર્મ સંકીર્ણ નથી. એવા ઘણા બધા પ્રસંગો દેશમાં બંને છે જેમાં સરકાર હિંદુ તહેવારોની ઉજવણીમાં બિનહિંદુ વહીવટી અધિકારીઓ, પોલીસ અધિકારીઓને એમના ધર્મને ધ્યાનમાં લીધા વિના બધા જ ધર્મના તહેવારોમાં વ્યવસ્થા જાળવવા ફરજ ઉપર મૂકે છે. જજે અરજી સામે સખત વાંધો લેતા કહ્યું કે આ અરજી જાહેર હિત અરજી તરીકે ટકવાપાત્ર નથી. બંધારણના અસ્તિત્વમાં આવ્યા પછી અમે આવી અરજીઓ સ્વીકારતા નથી. આવી અરજીઓ બંધારણની ફિલોસોફી અને બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતની વિરૂદ્ધ છે. અમે એવી અરજીઓની સુનાવણી નહીં કરીશું જે અમને ૧૦૦ વર્ષ પાછળ ધકેલતી હોય.