નવી દિલ્હી, તા.ર૧
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ઈવીએમ મશીનને લઈને નવો વિવાદ ઊભો થયો છે. વાસ્તવમાં ગત ચૂંટણીઓ બાદ ઈવીએમ મશીન પર સવાલો ઉપસ્થિત થયા બાદ વીવીપેટ મશીન સાથે જોડાણ કરવામાં આવ્યું હતું. જેથી એની સત્યતા પર પ્રશ્નો ઊદભવે નહી.
કર્ણાટકમાં હાલમાં ચૂંટણીઓમાં સમાપ્ત થયા બાદ વીવીપેટ મશીનોમાંથી કાગળની જગ્યાએ કપડા નીકળતા નવો વિવાદ ઊભો થયો છે. અહેવાલ મુજબ, એક નિર્માણ આધિન ઈમારતમાંથી જપ્ત કરાયેલા આઠ વીવીપેટ મશીનોનો કપડા મૂકવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અહેવાલ પ્રકાશમાં આવ્યા બાદ ચૂંટણી આયોગે મશીનોની તપાસ આરંભી દીધી છે. આ તમામ મશીનો કર્ણાટક બિજાપુર જિલ્લામાંથી મળી આવી છે. એક નિર્માણાધિન બિલ્ડીંગમાંથી મળી આવેલ વીવીપેટ મશીન અંગે ચૂંટણી અધિકારીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે બિજાપુર જિલ્લાના વિજયપુરામાં એક બંધ શેડમાંથી વીવીપેટ મશીનોના આઠ કવર જપ્ત કરવામાં આવ્યા છે.
મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, કેટલાક મજૂરો આ મશીનોનો કપડા મૂકવા માટે ઉપયોગ કરે છે. આ બીજીવાર બન્યું છે કે ચૂંટણી સાથે સંબંધિત સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
નેશનલ હાઇવે-૧૩ પરથી મળ્યા ૮ VVPAT મશીન

કર્ણાટકના બસવન્ના બાગેવાડીમાં એક શેડ નીચે ૮ વીવીપીએટ મશીન મળી આવતાં દોડધામ મચી જવા પામી છે. નેશનલ હાઇવે ૧૩ પર આવેલા મંગોલી ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મજૂરો માટે શેડ બનાવવામાં આવ્યા હતા. અહીં મજૂર રોજમદાર તરીકે કામ કરતાં હતા, તેમના માટે બનાવવામાં આવેલા શેડમાં ૮ વીવીપીએટ મળી આવતા ખળભળાટ મચી જવા પામી છે. કહેવામાં આવી રહ્યું છે કે વિજયપુરાના બસવન્ના બાગેવાડીથી કોંગ્રેસના શિવનંદા પાટિલ ચૂંટણી જીત્યા છે. કર્ણાટકની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ પણ પૂર્ણ બહુમત ન આવતા દરેક પક્ષો દ્વારા ખેંચતાણ ઊભી થઇ હતી, જો કે કોંગ્રેસ-જેડીએસએ ગઠબંધન કરી કર્ણાટકમાં સત્તા મેળવી. બીજી બાજુ ચૂંટણી પતી ગયા બાદ પણ રસ્તા પરથી વીવીપીએટ મળી આવતાં દોડધામ મચી જવા પામી છે, બીજીબાજુ કહેવામાં આવી રહ્યું છે કે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે વીવીપીએટ અહીં કેવી રીતે આવ્યા તથા તેની પાછળ શું કારણ છે.