(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
કોંગ્રેસે શુક્રવારે જણાવ્યું હ્‌તું કે, કર્મચારીઓના મોંઘવારી ભાથ્થા રોકવાનું કામ ‘‘અસંવેદનશીલ અને અમાનવીય છે સાથે જ કહ્યું કે, મધ્યમવર્ગના કર્મચારીઓ અને પેન્શનભોગીઓને ઠેસ પહોંચાડવાને બદલે કોરોના વાયરસ સામે લડવામાં નાણા બચાવવા બુલેટ ટ્રેન અને સેન્ટ્રલ વિસ્ટા જેવા પ્રોજેક્ટ્‌સ પર રોક લગાવવી જોઇએ. રાહુલ ગાંધીએ પોતાના હિંદીમાં કરેલા ટિ્‌વટમાં જણાવ્યું હતું કે, કોરોેના વાયરસ સામે લડાઇમાં જાહેર સેવા કરનારા કેન્દ્રીય કર્મચારીઓ, પેન્શનભોગીઓ અને જવાનોના ડીએને કાપવાનો સરકારનો નિર્ણય અસંવેદનશીલ અને અમાનવીય છે, તેના બદલે કરોડો રૂપિયાની બૂલેટ ટ્રેન યોજના તથા સેન્ટ્રલ વિસ્ટા યોજનાઓને રોકીને લાખો કરોડો રૂપિયા બચાવી શકાય છે.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સલાહને માનતા કેન્દ્ર સરકાર પોતાના ખોટા ખર્ચાઓ પર રોક લગાવી અઢી લાખ કરોડ રૂપિયા બચાવી શકે છે જેનો ઉપયોગ સંકટના આ સમયમાં લોકો માટે કરી શકાય છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ મહામારીના સંકટમાં ઊભી થયેલી આર્થિક મંદી અને આવકની તંગીનો ઘા પૂરવાને બદલે મોદી સરકાર બળ્યા પર મીઠું ભભરાવવામાં લાગી છે. તેમણે સવાલ કર્યો કે, મોદી સરકારે તાજેતરમાં જ ૩૦ લાખ ૪૨ હજાર કરોડ રૂપિયાનું બજેટ પસાર કર્યું હતું. બજેટમાં આવક તથા ખર્ચના લેખા-જોખા સ્પષ્ટ રીતે આપવામાં આવે છે. પછી બજેટ રજૂ કરવાના ૩૦ દિવસની અંદર જ મોદી સરકાર સેનાના જવાનો, સરકારી કર્મચારીઓ અને પેન્શનભોગીઓના મોંઘવારી ભથ્થા પર કાતર ચલાવી શું સાબિત કરી રહી છે ? તેમણે દાવો કર્યો કે, મોંઘવારી ભથ્થામાં અન્યાયપૂર્ણ કાપથી ૧.૧૩ લાખ સૈનિકો, કર્મચારીઓ અને પેન્શનરોના વેતનમાંથી વાર્ષિક ૩૭.૫૩૦ કરોડ રૂપિયાનો કાપ થશે. સૂરજેવાલાએ કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે, મોદી સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં કાપ કરીને ઘા આપવાની આ કવાયતે દેશની સુરક્ષા કરનારી ત્રણ સેનાઓના આપણા સૈનિકોને પણ છોડ્યા નથી. આ કાપ દ્વારા સેનાઓના ૧૫ લાખ સૈનિકો અને આશરે ૨૬ લાખ પેન્શનભોગીઓના ૧૧ હજાર કરોડ રૂપિયા કાપી લેવાશે. તેમણે કહ્યું કે સરકારે કોરોના વાયરસ મહામારી છતાં અત્યારસુધી ૨૦ હજાર કરોડ રૂપિયાની સેન્ટ્રલ વિસ્ટા યોજનાને રદ કરી નથી. ૧.૧૦ લાખ કરોડ રૂપિયાના ખર્ચવાળી બૂલેટ ટ્રેન યોજનાને પણ બંધ કરી નથી. તેણે ખોટા સરકારી ખર્ચાઓને પણ બંધ કર્યા નથી જેનાથી ૨.૫૦ લાખ કરોડ વાર્ષિક બચી શકે છે. સૂરજેવાલાએ સરકારને આગ્રહ કર્યો છે કે, તે આ પ્રોજેક્ટ્‌સ પર રોક લગાવે અને કોટા ખર્ચા બંધ કરે. રાહુલ ગાંધીએ ગુરૂવારે કહ્યું હતું કે, લોકડાઉનને કારણે રોજી કમાવીને જીવન વ્યતિત કરનારા ભૂખમરાનો શિકાર થઇ રહ્યા છે. ગુસ્સા અને નફરતથી કોઇ સમસ્યાનું સમાધાન થતું નથી. આ સંકટમાં આપણા નિરાધાર બનેલા ભાઇ-બહેનોને અન્ન આજીવિકાની સુરક્ષા આપવી સરકારની પ્રથમ પ્રાથમિકતા હોવી જોઇએ.