(એજન્સી) તા.૩
ગુરુવારે કર્મશીલો, નારીવાદીઓ, વકીલો અને પત્રકારો સહિત સિવિલ સોસાયટીના કેટલાય સભ્યો ઓનલાઇન પત્રકાર પરિષદમાં એકત્ર થયાં હતાં અને બાબરી મસ્જિદના શહીદીની આસપાસ ગુનાહિત સાઝીશના કેસમાં આવેલ આઘાતજનક ચુકાદાની ચર્ચા કરવામાં આવી હતી. સીટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ (સીજેપી), પીપલ્સ યુનીયન ઓફ સિવિલ લીબર્ટીઝ (પીયુસીએલ) અને ફોરમ અગેન્સ્ટ ઓપરેશન ઓફ વિમેનના સહયોગમાં બેબાક કલેક્ટીવ દ્વારા આ ઓનલાઇન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તાઓમાં સિનિયર એડવોકેટ મિહીર દેસાઇ, પત્રકાર અને માનવ અધિકાર સંરક્ષક તિસ્તા સેતલવાડ અને કર્મશીલ કલેવિયા અજ્ઞેશ, પત્રકાર મીના મેનન, વકીલ શકીલ અહેમદ અને મુંબઇ રમખાણોમાં બચી જનાર ફારુક માપકરનો વક્તા તરીકે સમાવેશ થતો હતો. આ કાર્યક્રમનું સંચાલન હસીના ખાને કર્યુ હતું. તેમણે દસ્તાવેજી પુરાવા તેમજ શક્તિશાળી સાક્ષીની જુબાનીની કઇ રીતે ઇરાદાપૂર્વક ઉપેક્ષા કરવામાં આવી છે તેની ચર્ચા કરી હતી. વકીલ મિહીર દેસાઇએ જણાવ્યું હતું કે કમસેકમ આરોપીઓ સામે કલમ-૧૪૪નો ભંગ કરવા બદલ તેમને અપરાધી ઠરાવી શકાયા હોત. જેમણે બાબરી શહીદી અને તેની અનુવર્તી સ્થિતિ અંગે વ્યાપક કવરેજ કર્યુ છે એવા તિસ્તા સેતલવાડે દરેકને યાદ અપાવ્યું હતું કે છેવટે બાબરી મસ્જિદના શહીદી તરફ દોરી જનારા સંજોગો અને સ્થિતિનું ઇરાદાપૂર્વક નિર્માણ કરવામાં આવ્યું હતું કે જેની ઉપેક્ષા કરવી મુશ્કેલ છે. કર્મશીલ ક્લેવિયા અજ્ઞેશે જણાવ્યું હતું કે બાબરી મસ્જિદ શહીદીના વીડિયો ફૂટેજ અને તસવીરો જો પુરાવા નથી તો બીજુ શું છે ? પત્રકાર મીના મેનને પણ તેમાં સૂર પૂરાવ્યો હતો કે અમોએ બીબીસી દ્વારા કવરેજ જોયું હતું અને આપણા ફોટોગ્રાફર્સ પણ ત્યાં હતાં અને તેમ છતાં અદાલતને પુરાવા દેખાતાં નથી. વકીલ શકીલ અહેમદે જણાવ્યું હતું કે આ ચુકાદાથી મને બિલકુલ આઘાત લાગ્યો નથી કારણ કે આરોપીઓને સત્તારૂઢ લોકોનું સમર્થન છે.