(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૮
હાઈકોર્ટે અરજદારની અરજીની સુનાવણી કરી સરકારને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો. જેમાં કલમ ૧૭૪ની જોગવાઈ અનુસાર શું કાર્યવાહી કરી તે અંગેનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવાની જગ્યાએ હોસ્પિટલના કર્મચારીઓ વિરુદ્ધની કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરતા આજે હાઇકોર્ટે સરકારને કલમ ૧૭૪ની જોગવાઈ અનુસાર શું કાર્યવાહી કરી તે અંગેનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો.
કેસની વિગતો અનુસાર ગોધરાની સિવિલ હોસ્પિટલમાંથી તારીખ ૧ એપ્રિલ ૨૦૨૦ના રોજ કૂતરાએ નવજાત બાળકને ઉઠાવી જઇ ને જીવતું ખાઈ લીધું હતું. પોલીસે આ બનાવને અકસ્માતે મૃત્યુ ગણીને તારીખ ૨ એપ્રિલે જાણવાજોગ ફરિયાદ નોંધીને કેસ બંધ કરી દીધો હતો. ત્યારબાદ તારીખ ૫ એપ્રિલના રોજ હોસ્પિટલના નીચલી કક્ષાના કર્મચારીઓ સામે બેદરકારીથી મૃત્યુ પહોંચાડવાનો કેસ નોંધ્યો હતો. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ કલમ ૧૭૪ની જોગવાઈ અનુસાર પ્રાણી દ્વારા માણસને મારી નાખવાની તપાસ કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને રીપોર્ટ કરવાનો હોય છે. જે જોગવાઈને પોલીસે ગેરકાયદેસર રીતે અવગણી છે. આવા રીપોર્ટને આધારે જિલ્લા મેજીસ્ટ્રેટ કલમ ૧૩૩ની જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટના માણસ ખાવું વાઘના કિસ્સામાં કરેલ હુકમ મુજબ જે તે પ્રાણીને પકડવાનો અથવા તે પ્રાણીનો નાશ કરવાનો હુકમ કરી શકે છે. પોલીસની નિષ્ક્રિયતાને કારણે આવા માણસખાઉ પ્રાણી અન્ય બાળકોને પણ પોતાનો શિકાર બનાવી શકે છે. બાળકના અપમૃત્યુના કેસમાં તપાસ વગર બંધ કરવાના પોલીસના પગલાને અરજદાર કીર્તિ ભટ્ટે બાળકોના હક્કો અંગેની આંતરરાષ્ટ્રીય સંધિનો પણ ભંગ ગણાવેલ છે. ભારતે યુનાઇટેડ નેશન્સની આ સંધિને માન્યતા આપી છે. હાઈકોર્ટે અરજદારની અરજીની સુનાવણી કરી સરકારને પોતાનો પક્ષ રજૂ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો હતો. કેસની વધુ સુનાવણી ૧૭ જૂને હાથ ધરવામાં આવશે.
કલમ ૧૭૪ની જોગવાઈ અનુસાર શું કાર્યવાહી કરી તે અંગેનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરો હાઇકોર્ટ

Recent Comments