(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે જાહેરાત કરી છે કે બંધારણના અનુચ્છેદ ૩૭૦ જેના દ્વારા જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો અપાયેલ છે. એને રદ કરવાની કોઈ યોજના સરકારની વિચારણા હેઠળ નથી.
ભાજપ નેતા અશ્વિનીકુમારના પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી હંસરાજ આહિરે જણાવ્યું કે, હાલમાં સરકાર સમક્ષ આ પ્રકારનો કોઈ પ્રસ્તાવ નથી.
કુમારે પૂછ્યું હતું, ગૃહ મંત્રાલયના મંત્રી અમને જણાવશે કે સરકાર બંધારણના અનુચ્છેદ ૩૭૦ને રદ કરવા વિચારી રહી છે કે કેમ. ભાજપ જમ્મુ કાશ્મીરમાં સરકારમાં પીડીપી સાથે ભાગીદારી ધરાવે છે. આજની જાહેરાતથી પીડીપીને રાહત મળી છે, જેમની પાસેથી વિધાનસભામાં વારંવાર આ બાબત પૂછવામાં આવતું હતું.
ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં વડાપ્રધાન મોદી સાથે મહેબૂબાએ મુલાકાત કરી હતી. મોદીએ મહેબૂબાને ખાત્રી આપી હતી કે બંધારણના અનુચ્છેદ ૩૭૦માં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં.
મુફ્તીએ મોદી સાથે મુલાકાત પછી જણાવ્યું હતું કે, ભાજપા સાથે અમારો ગઠબંધન એ શરતે જ છે કે એ અનુચ્છેદ ૩૭૦માં કોઈપણ ફેરફાર કરશે નહીં. અનુચ્છેદ ૩પએને પણ રદ કરતા એની વિરોધી અસરો થશે એ માટે એમાં પણ ફેરફાર કરવામાં નહીં આવે. વડાપ્રધાને મને આ બાબત ૧૦૦ ટકા ખાતરી આપી છે.